રાહુલ ગાંધી એક દિવસ દેશના વડાપ્રધાન બનશે : શરદ પવાર

નવીદિલ્હી, ઈન્ડિયા ગંઠબંધનને એક કરીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો પરસેવો છોડાવી દેનારા શરદ પવારે ફરી એક વખત બીજેપી સાથે જવાની વાતનો ઉડાડ્યો છે.એનસીપી પ્રમુખ શરદ પવારે ફરીથી સ્પષ્ટ કર્યું કે બીજેપી સાથે હાથ મિલાવવાનો સવાલ જ નથી. ભારત જોડો યાત્રા બાદ લોકો રાહુલ ગાંધીને ગંભીરતાથી લઈ રહ્યા છે. તે એક દિવસ દેશનું નેતૃત્વ કરશે.

અજિત પવારના નેતૃત્વમાં એનસીપીના બળવાખોરોનો ઉલ્લેખ કરતા શરદ પવારે કહ્યું કે, જે લોકો બીજેપી સાથે ગયા છે તેમને એનસીપી સાથે કોઈ લેવાદેવા નથી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ પર શરદ પવારે કહ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સીની કાર્યવાહી ઈન્ડિયાને વધુ મજબૂત કરશે.પવારે આગળ કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ તેમને કહ્યું હતું કે આપ દિલ્હીમાં ૭માંથી ૩ સીટો કોંગ્રેસને આપવા તૈયાર છે. એટલું જ નહીં તેમણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ ફરી એકવાર પુન: જીવિત થશે.

તેમણે કહ્યું કે, આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર બનાવશે. પવારે કહ્યું કે, તેમણે રાજ્યમાં મતવિસ્તાર મુજબ વિશ્લેષણ કર્યું છે. મહારાષ્ટ્રમાં નિશ્ર્ચિતપણે અમે સરકાર બનાવીશું. છેલ્લી લોક્સભા ચૂંટણીમાં અમને અહીં માત્ર ચાર બેઠકો મળી હતી. પરંતુ આ વખતે જો અમને ઓછામાં ઓછી ૫૦ ટકા બેઠકો મળે તો મને આશ્ર્ચર્ય નહીં થાય.