રાહુલ ગાંધીએ એવુ કંઈ નથી કહ્યુ જેના માટે એમણે માફી માંગવી પડે: સામ પિત્રોડા

નવીદિલ્હી,

લંડનમાં રાહુલ ગાંધીના લોકશાહી પર હુમલોવાળા નિવેદનોને લઈને મચેલા રાજકીય હોબાળા દરમિયાન હવે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોડાએ કહ્યુ કે રાહુલ ગાંધીએ માફી માંગવાની જરુર પડે એવુ કંઈ કહ્યુ નથી. ભારત જેવા લોક્તંત્રમાં દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. સામ પિત્રોડાએ કહ્યુ, ’રાહુલ ગાંધીના શબ્દોને ટ્વિસ્ટ કરવામાં આવી રહ્યા છે, જુઠ્ઠાણાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ખોટી માહિતી હવે ભારતની સૌથી મોટી માંગ થઈ ગઈ છે અને તે ભારતમાં જીવન જીવવાની રીત બની ગઈ છે.

આ પહેલા સામ પિત્રોડાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી રાહુલ ગાંધીને લઈને અનેક ટ્વિટ કરી હતી. સામ પિત્રોડાએ ટ્વીટ કર્યુ હતુ કે, ’મીડિયાની મદદથી કેટલાક ચૂંટાયેલા નેતાઓ દ્વારા જૂઠાણા અને ખોટી માહિતી પર આધારિત સુનિયોજિત અને સુવ્યવસ્થિત વ્યક્તિગત હુમલો… આનો અર્થ શું છે…?’ અન્ય એક ટ્વિટમાં સામ પિત્રોડાએ લખ્યુ કે, ’રાહુલ ગાંધીએ લંડનમાં જે કહ્યું તેના વિશે જૂઠાણાનો પ્રચાર કરવાનુ અને પ્રોત્સાહન આપવાનુ બંધ કરો. તમે ત્યાં હતા? શું તમે વીડિયો જોયો છે? શું તમે ખરેખર જાણો છો કે રાહુલ ગાંધીએ શું કહ્યુ?’