
નવીદિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીના કરોલ બાગના એક ગેરેજમાં પહોંચ્યા અને ત્યાંના મિકેનિક્સ સાથે કામ કર્યું. રાહુલે મંગળવારે રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ૬ ફોટા પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
એક ફોટોમાં રાહુલના હાથમાં ટુ વ્હીલરનો એક પાર્ટ દેખાય છે. તેમની સામે એક બાઇક ખુલ્લું છે. કેટલાક લોકો સાથે બેઠેલા જોવા મળે છે. અન્ય એક ફોટોમાં રાહુલ સ્ક્રુ ડ્રાઈવર સાથે બાઇકના સ્ક્રૂને ફિટ કરતા જોવા મળે છે. અને એક ફોટોમાં તે ગેરેજ વર્કર પાસેથી મશીન વિશે માહિતી લઈ રહ્યા છે. ગેરેજમાંથી બહાર આવેલા રાહુલને યુવકોએ ઘેરી લીધો અને હાથ પકડવા પડાપડી કરવા લાગ્યા.
કોંગ્રેસે ફેસબુક પર પાર્ટીના પૂર્વ અધ્યક્ષની તસવીરો પણ શેર કરી છે, જેમાં તેઓ મોટરસાઇકલ રિપેર કરવાનું શીખતા અને મિકેનિક સાથે વાતચીત કરતા જોવા મળે છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “આ જ હાથ ભારત બનાવે છે. આ કપડાં પરના ડાઘ એ આપણી ખુદ્દારી અને ગૌરવ છે. આવા હાથોને પ્રોત્સાહિત કરવાનું કામ કોઈ લોકનેતા જ કરે છે. દિલ્હીના કરોલ બાગ ખાતે મોટરસાઇકલ મિકેનિક સાથે રાહુલ ગાંધી. ’ભારત જોડો યાત્રા’ ચાલુ છે.
ઉલ્લેખનીય કે આ પહેલા રાહુલ ગાંધી હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે સવારી કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસ નેતાની ટ્રક ડ્રાઈવરો સાથેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા હતા.