નવીદિલ્હી, દેશમાં જેમ જેમ લોક્સભાની ચૂંટણીઓ આગળ વધી રહી છે તેમ તેમ પીએમ મોદી વધુ આક્રમક બની રહ્યા છે. ગઈકાલે ૨૧ એપ્રિલે રાજસ્થાનના બાંસવાડામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ૨૦૦૬માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશમાં લોકોની સંપત્તિ એકઠી કરશે અને મુસ્લિમોમાં વહેંચશે. તેમના આ નિવેદન બાદ રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમના પર નિશાન સાધી રહ્યા છે.
પીએમના નિવેદન બાદ રાહુલ ગાંધીએ આજે સવારે ટ્વિટર પર એક ટ્વિટ શેર કરીને કાવ્યાત્મક જુગલબંધી દ્વારા પીએમ મોદી પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું કે દેશમાં બેરોજગારી અને મોંઘવારી ટોચ પર છે અને નરેન્દ્ર મોદી કહે છે કે બધું બરાબર છે. તેમની પાસે મુદ્દાઓથી વાળવા માટે નવી તકનીકો છે, પરંતુ જૂઠાણાના ધંધાના અંત નજીક છે.
તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજસ્થાનના બાંસવાડામાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનો ઈરાદો આ દેશની મહિલાઓના ઘરેણા એકઠા કરીને મુસ્લિમોમાં વહેંચવાનો છે. તેઓ તમારા ગળામાંથી મંગળસૂત્ર જપ્ત કરશે અને પછી તેને લઘુમતીઓમાં વહેંચી દેશે. પીએમએ કહ્યું કે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું છે કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો સંપત્તિનું ઓડિટ કરવામાં આવશે. સીએમે કહ્યું કે તેમના અગાઉના પીએમ મનમોહન સિંહે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર માનવામાં આવે છે.
પીએમના નિવેદન અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે વિરોધીઓ પર ખોટા આરોપો લગાવવા એ સંઘ અને ભાજપની તાલીમની વિશેષતા છે. તેમને જે પણ કહ્યું છે, તે સંઘના મૂલ્યોથી મેળવ્યું છે. ખડગેએ કહ્યું કે દેશના ૧૪૦ કરોડ લોકો તેમની જાળમાં ફસાવાના નથી.