રાહુલ ગાંધી અને લાલુ યાદવે બિહારી સ્ટાઈલમાં કરી મટન પાર્ટી, બહેન પ્રિયંકા ગાંધીએ ખાધું અને કહ્યું-’બહુ સરસ બન્યું છે’

નવીદિલ્હી, વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના વિવિધ નેતાઓની દરરોજ બેઠકો યોજાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ યાદવની મુલાકાત થઈ હતી. આ દરમિયાન લાલુ યાદવે રાહુલ ગાંધીને બિહારી સ્ટાઈલમાં મટન બનાવવાનું શીખવ્યું હતું. જે મટન માત્ર ડુંગળી સાથે બનાવવામાં આવ્યું હતું. તેમાં એક ટીપું પણ પાણી ઉમેરવામાં આવતું નથી.

રાહુલ ગાંધી આ મટન પેક કરાવી બહેન માટે પણ લઇ ગયા હતા. અને જણાવ્યું હતું કે, તેઓ બિહારથી મટન લાવ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધી અને લાલુ યાદવ રાજનીતિ વિશે પણ વાત કરે છે અને રાહુલ ગાંધી લાલુ યાદવને પૂછે છે કે તમારા મતે રાજકીય મસાલો શું છે, તો લાલુ યાદવ કહે છે કે નેતાએ અન્યાય સામે લડવું જોઈએ.

આ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના હાથથી મટનમાં ડુંગળી, મસાલા અને અન્ય સામગ્રી મિક્સ કરીને ગેસ પર મૂકી દીધી હતી. આ દરમિયાન તેજસ્વી યાદવ અને લાલુ યાદવની પુત્રી મીસા ભારતી પણ ત્યાં હાજર હતી. રાહુલ ગાંધી દિલ્હીમાં મીસા ભારતીના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન લાલુ યાદવ અને રાહુલ ગાંધીએ પ્રેમથી મટન રાંયું અને એકબીજાને ખવડાવ્યું હતું. આ વીડિયો ૨ સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ લાલુ યાદવને પૂછ્યું કે તમે પહેલીવાર રસોઈ ક્યારે શીખી? આના પર લાલુ યાદવે જવાબ આપ્યો કે તેઓ ૬ વર્ષની ઉંમરથી રસોઈ બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે મારો ભાઈ પટનામાં કામ કરવા આવ્યો હતો. આ સમય દરમિયાન હું તેમના માટે ભોજન બનાવતો, વાસણો ધોતો, ત્યાં બધું શીખતો. આ જ સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે તેઓ યુરોપમાં કામ કરતા હતા ત્યારે તેઓ થોડી રસોઈ બનાવતા શીખ્યા હતા. તેમણે કહ્યું કે તે રસોઈમાં નિષ્ણાત નથી પરંતુ તે મૂળભૂત ખોરાક બનાવે છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ તેમની બહેન પ્રિયંકા ગાંધી માટે મટન પણ પેક કર્યું હતું, જેને પ્રિયંકા ગાંધીએ વખાણ્યું હતું અને કહ્યું હતું કે તે ખૂબ જ સારી રીતે બનેલું છે. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે લાલુજી, મીસા અને મેં ભેગા મળી બનાવ્યું છે.