રાહુલ ગાંધી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે ભાજપ ચૂંટણી પંચ પહોંચી

નવીદિલ્હી, લોક્સભાની ચૂંટણી આ વખતે ૭ તબક્કામાં થવાની છે જેમાથી પહેલો તબક્કો પૂર્ણ થઇ ગયો છે. ત્યારે દેશની તમામ નાની-મોટી પાર્ટીના નેતાઓ જનતાને પોતાના તરફ ખેંચવાના પૂરા પ્રયત્નો કરી રહ્યા છે. જનતા વચ્ચે પોતાની પાર્ટીને મતદાન કરવાની વિનંતી કરતા ઘણા નેતાઓ વિવાદાસ્પદ નિવેદન આપવાનું પણ ચુક્તા નથી. આમા એક નામ રાહુલ ગાંધીનું ઉમેરાયું છે. જેને લઇને ભાજપે ચૂંટણી પંચને રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. એવું શું કહ્યું રાહુલ ગાંધીએ કે ભાજપ તેમના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં જનતાને ગેરમાર્ગે દોરવાનો અને ભાષા-પ્રદેશના આધારે દેશને વિભાજીત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ ભાજપ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ મામલે પાર્ટીએ ચૂંટણી પંચને રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશમાં ગરીબી વધારવાના ખોટા દાવા કરી રહ્યા છે. ભાજપે સોમવારે તેની ફરિયાદમાં રાહુલ ગાંધી પર ચૂંટણીના વાતાવરણને બગાડવા માટે ભાષા અને પ્રદેશના આધારે દેશમાં ઉત્તર-દક્ષિણ વિભાજન ચાલુ રાખવાનો પણ આરોપ લગાવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ અને પક્ષના મીડિયા વિભાગના પ્રભારી અનિલ બલુની સહિત ભાજપના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને કોંગ્રેસ નેતા પર લોક્સભા ચૂંટણી દરમિયાન ભાજપ વિરુદ્ધ ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપના પ્રતિનિધિમંડળે કોંગ્રેસના નેતા વિરુદ્ધ પંચમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે પત્રકારોને કહ્યું, “રાહુલ ગાંધી એક ખોટું અભિયાન ચલાવી રહ્યા છે કે દેશના ૨૦ કરોડથી વધુ લોકો ગરીબ થઈ ગયા છે, જ્યારે તેમની પાસે તેમના દાવાને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. તેમણે કહ્યું કે, નીતિ આયોગે તેમના રિપોર્ટમાં કહ્યું છે કે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન લગભગ ૨૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. ભાજપ નેતાએ કહ્યું, “ચૂંટણી પંચે અમને આ અંગે (ગાંધી વિરુદ્ધ) કડક પગલાં લેવાની ખાતરી આપી છે.”