
અમદાવાદ,
અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલનો ગુમ વિદ્યાર્થી અંતે મળી આવ્યો છે. આ બાળક કાલુપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યો છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૪ પર પાર્સલ વચ્ચે બેઠેલી હાલતમાં બાળક મળી આવ્યો છે. ઘટનામાં બાળકના વાલીઓ તેમજ અન્ય વાલીઓએ શાળાએ પહોંચીને હોબાળો કર્યો હતો અને બાળકને શોધી લાવવા માંગ કરી હતી. જે પછી પોલીસને બાળક કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો છે.
રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલનો ગુમ વિદ્યાર્થી માનવ અંતે મળી આવ્યો છે. આ બાળક ઠંડીથી બચવા માટે કાલુપુર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર-૪ પર પાર્લસ વચ્ચે બેસી ગયો હતો. પરિવારજનોની શોધખોળ વચ્ચે બાળક રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો છે. ગુમ બાળક ખાધા-પીધા વિના ઠંડીમાં ઠુંઠવાયો હોવાનું સામે આવ્યુ છે.
જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ધોરણ નવમાં અભ્યાસ કરતો માનવ અગ્રવાલ શાળાએ આવ્યો તે બાદ તેની બેગમાંથી અન્ય બાળકની સ્વાધ્યાયપોથી મળી આવી હતી. આ મુદ્દે શિક્ષકે તેને ઠપકો આપ્યો હતો અને શાળાની ઓફિસમાં બંને બાળકોને મોકલી આપ્યા હતા, બીજો બાળક એ હતો જેની સ્વાધ્યાયપોથી માનવ અગ્રવાલની સ્કૂલ બેગમાં હતી. બાળકની સ્વાધ્યાયપોથી હતી તેને ક્લાસરૂમમાં મોકલાયો હતો ,જ્યારે માનવ અગ્રવાલને સ્કૂલ કમ્પાઉન્ડમાં બેસાડી રાખ્યો હતો અને તેના વાલીઓને બોલાવવા માટે કહ્યું હતું.
શાળા સંચાલકોએ માનવના વાલીને આ ઘટના અંગે જાણ કરીને શાળાએ આવવા માટે કહ્યું હતું, પરંતુ વાલી શાળાએ આવે તે પહેલા જ માનવ શાળામાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળે છે કે શાળાના દરવાજા પાસે આવેલો માનવ પહેલા ધીરેથી અને પછી ઝડપથી દોડીને બહાર જતો રહે છે. આથી જ્યારે વાલી શાળા પર પહોંચ્યા ત્યારે બાળક મળ્યો નહોતો.
આ બાબતે શાળાના સંચાલકો અને શિક્ષકો સાથે માતા પિતાની રકઝક પણ થઈ હતી . બાળક ક્યાં જતો રહ્યો છે તે અંગે માથાકૂટ પણ થઈ અને બાદમાં બાળકની શોધખોળ પણ કરવામાં આવી હતી પરંતુ ૨૪ કલાક ઉપર સમય થયો છતાં પણ બાળક મળી ન આવતા સવારે બાળકના વાલી તેમજ અન્ય વાલીઓ શાળામાં એકઠા થયા હતા અને શાળા ઉપર હોબાળો કર્યો હતો.