રફાહમાં મોટા હુમલાની તૈયારીમાં ઇઝરાયલ, યુ.એન એ આપી ધમકી

ગાઝા, ગાઝામાં પેલેસ્ટાઈનવાસીઓ સામે ઇઝરાયલની સેના કાર્યવાહીની સંયુક્ત રાષ્ટ્રે ફરી એકવાર ટીકા કરી છે. મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનું કહેવું છે કે ગાઝામાં માર્યા ગયેલા પેલેસ્ટાઈનના લોકોની સંખ્યા ખુબ ચિંતાજનક છે. કેન્યાની રાજધાની નૈરોબીમાં એક સંમેલનમાં બોલતા તેમણે કહ્યું કે, રશિયાના હુમલામાં યૂક્રેનમાં છેલ્લા બે વર્ષોમાં જેટલા લોકો નથી માર્યા ગયા, તેનાથી વધુ લોકો છેલ્લા કેટલાક મહિનામાં ગાઝામાં માર્યા ગયા છે.

મહાસચિવે રફાહમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીને લઈને ચેતવણી આપતા કહ્યું કે, તેનાથી મોટો વિનાશ નક્કી છે. તો આ ચેતવણી છતા ઇઝરાયલ દક્ષિણ ગાઝાના રફાહમાં મોટા પ્રમાણમાં ઓપરેશનની સતત ધમકી આપી રહ્યું છે. જો ઇઝરાયલે એવું પગલું ભર્યું તો આશરો આપનારા લોકો પર તેનું ભયંકર અને વિનાશકારી પરિણામ જોવા મળશે. રફાહમાં ગાઝાની ૨૨ લાખ વસ્તીના અડધાથી વધુ લોકોએ આશરો લીધો છે.

મોટી સંખ્યામાં લોકો ટેન્ટ અને અસ્થાયી શેલ્ટર હોમ્સમાં રહે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, ’છેલ્લા કેટલાક મહિનાઓમાં ગાઝામાં જેટલા નાગરિકો માર્યા ગયા, એટલા નાગરિકો બે વર્ષમાં રશિયા-યૂક્રેન હુમલામાં પણ નથી માર્યા ગયા. આ સંખ્યા અંદાજિત બે ગણાથી વધુ છે.’ આ વચ્ચે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે કે ઇઝરાયલે ગાઝામાં યુદ્ધ દરમિયાન અમેરિકન હથિયારોના ઉપયોગથી કેટલીકવાર આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાઓને તોડ્યા છે.

અમેરિકન સરકારે એ પણ કહ્યું છે કે આ અંગે સંપૂર્ણ માહિતી નથી. જેને લઈને અમેરિકન સંસદમાં એક રિપોર્ટ પણ જમા થયો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ આ વાતની તપાસના આદેશ આપ્યા છે કે ઇઝરાયલે ગત વર્ષથી મોકલેલા અમેરિકન હથિયારોનો ઉપયોગ કઈ રીતે કર્યો છે. ગત ૭ ઓક્ટોબરથી ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયલી સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધી અંદાજિત ૩૫ હજાર પેલેસ્ટાઈનના લોકો માર્યા ગયા છે, જ્યારે ૮૦ હજારથી વધુ ઇજાગ્રસ્ત થયા છે