
પાટણ,
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ ટ્રકમાં ઘૂસી જતાં છ મોત નીપજ્યાં છે, જ્યારે ૧૨ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતાં રોડ પર ઊભેલી ટ્રક સાથે જીપ અથડાતાં એમાં સવાર ૬ લોકોનાં મોત નીપજ્યા હતા, તો ૧૨ લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં લોકોએ તેમજ પોલીસતંત્રએ ઘટનાસ્થળે દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જીપમાં સવાર લોકો રાધનપુરથી વારાહી જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતમાં મોતને ભેંટેલા લોકોમાં સમજુબેન ફુલવાદી,દુદાભાઈ સેજાભાઈ રાઠોડ,રાધાબેન પરમાર,કાજલબેન પરમાર,અમ્રિતાબેન વણઝારા પિનલ વણઝારાનો સમાવેશ થાય છે રાધનપુરના મોટી પીપળી પાસે થયેલા અકસ્માતમાં ૬ લોકોનાં મોત અને ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની ઘટના બાદ એક સ્થાનિક નાગરિકે ઘટનાસ્થળ પર ઉભા રહી પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. અકસ્માતમાં છ લોકોના મોત થયા બાદ નાગરિક દ્વારા સવાલ કરાયો હતો કે ધોળે દિવસે આટલા લોકો આ વાહનમાં ભરવામાં આવ્યા ત્યારે પોલીસે કોઈ કાર્યવાહી કેમ ન કરી? રાધનપુરથી વારાહી વચ્ચે આ પ્રકારના વાહનોમાં લોકોને ઘેટા-બકરાની જેમ ભરવામાં આવતા હોવાનો અને હપ્તા ઉઘરાવાતા હોવાનો આક્ષેપ કરતો વીડિયો વાઈરલ થયો છે.