- કોંગ્રેસ અને આપમાંથી કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય છે,નારણ કાછડીયા
અમરેલી, લોક્સભાની ચૂંટણી પૂરી થતા જ ભાજપના નેતાઓનો આંતરિક વિવાદ ઉભરો બનીને બહાર ઠલવાઈ રહ્યો છે. ભાજપે કરેલા ભરતી મેળાથી ભાજપના જ અનેક નેતાઓ અને કાર્યર્ક્તાઓ નારાજ થયા છે. લોક્સભાની ચૂંટણીમાં તેની અસર પણ જોવા મળી હતી. ત્યારે હવે લોક્સભાની ચૂંટણી પત્યા પછી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાની નારાજગી સામે આવી છે. સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ લગાવ્યા છે. અમરેલીમાં જેની ટિકિટ કાપીને ભરત સુતરિયાને ભાજપે ટિકિટ આપી હતી, તે નારણ કાછડીયાએ જાહેરમાં ભાજપનો વિરોધ વ્યક્ત કર્યો છે.
અમરેલીના નારણ કાછડીયાએ ભાજપ માટે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.નારણ કાછડીયાએ પક્ષ વિરોધ સ્ફોટક નિવેદનો કર્યા છે. ભાજપના ભરતી મેળા વિશે એક કાર્યક્રમમાં નારણ કાછડીયાએ કહ્યું કે, કાર્યર્ક્તાઓને ઉભો કરતા દસ વર્ષ લાગે છે. કાર્યર્ક્તાઓને તોડવાની કોઈ કોશિશ ના કરે, કાર્યર્ક્તાની પાછળ અમે બેઠા છીએ. કોંગ્રેસ અને આપમાંથી કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય છે. બીજે દિવસે કેબિનેટના મંત્રીના પદ મળી જાય.. સંગઠનના પદ મળી જાય.. ધારાસભ્યની ટિકિટો મળી જાય.. તમે પાર્ટીમાં નિયમ પ્રમાણો લો, આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની તે અમે જાણીએ છીએ. કાર્યર્ક્તાઓને પાર્ટીમાં લો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યર્ક્તાઓના ભોગે નહીં.
આમ, પક્ષપલટુઓ પ્રત્યે નારણ કાછડીયાએ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે તેમણે આગળ કહ્યું કે, ભાજપના કાર્યર્ક્તા ૩૫-૩૫ વર્ષથી કામ કરતો હોય અને પાર્ટીના ઝંડા લગાવતો હોય.. નારા લગાવતો હોય.. અને તમે કાલે સવારે લઈ આવો એ સ્ટેજ પર બેસે અને સિનિયર કાર્યર્ક્તા સામે બેઠો હોય તે કેટલા અંશે વ્યાજબી કહેવાય?” વધુમાં તેમણે કહ્યું કે, ભાજપના કોઈ પણ કાર્યર્ક્તાને સાઈડલાઈન કરીને કોઈને પદ કે હોદ્દો આપવો.. જે કાલે સવારે આવ્યા હોય.. તેમના માટે તો ક્યારે સ્વીકારી ન શકીએ.