ગાંધીનગર, કલોલ તાલુકાના રાંચરડા ગામે ફાયરિંગ કરી મહિલાની હત્યા કરાઈ હતી. રાંચરડામાં રહેતા ગોવિંદભાઈ ચતુરભાઈ પટેલ નામના વ્યક્તિએ મહિલા મિત્ર પર ફાયરિંગ કર્યું હતું. મહિલાને માથાના ભાગે ગોળી વાગતા લોહી લુહાણ હાલતમાં ત્યાંજ ઢળી પડી હતી. મહિલાને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી.
ફાયરિંગની ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.કલોલ તાલુકાના રાંચરડા ગામમાં રહેતા ગોવિંદ પટેલે ફાયરિંગ કર્યું હતું. રાંચરડા ગામની સહકારી મંડળીમાં ગોવિંદભાઈ ચતુરભાઈ પટેલ નોકરી કરે છે. ગોવિંદ થોડા સમય અગાઉ એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો. ગોવિંદ પટેલ ગ્રામજનોને પોતે આ મહિલા સાથે લગ્ન કર્યા હોવાનું જણાવતો હતો તેમજ તેની સાથે ફરતો હતો.
આરોપી મહિલા સાથે બાઈક ઉપર ગામમાં આવતો જતો રહેતો હતો. અગમ્ય કારણોસર બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. આ માથાકૂટે ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા ગોવિંદે ઉશ્કેરાઈ જઈને દુકાનમાં રહેલ તેની મહિલા મિત્રને માથાના ભાગે ગોળી મારી દીધી હતી. ગોળી વાગતા જ મહિલા ત્યાં જ ઢળી પડી હતી. ફાયરીંગ કરીને ગોવિંદ પટેલ ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો. મહિલાને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે રાંચરડા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાંચરડામાં યુવકે મહિલાની ફાયરિંગ કરી મૃત્યુ નિપજાવ્યું છે ત્યારે બંદૂક જેવું પ્રતિબંધિત હથિયાર ક્યાંથી આવ્યું તે મોટો સવાલ ઉભો થયો છે. લોકો પાસે રહેલા બંદૂક જેવા ઘાતક હથિયારો સમાજ માટે જોખમી બન્યા છે ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે તે પણ જરૃરી છે.ફાયરિંગની ઘટનાની જાણ પોલીસને થતા વધુ તપાસ શરૃ કરાઇ છે તેમજ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.