કિવીઝ સામે ટીમ ઈન્ડિયા સતત પાંચમી મેચ હારી: ન્યૂઝીલેન્ડે ૭ વિકેટે શાનદાર જીત મેળવી

ઓકલેન્ડ,

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની ૩ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ આપેલા ૩૦૭ રનના ટાર્ગેટને ન્યૂઝીલેન્ડે ૭ વિકેટે ચેઝ કરી લીધો હતો. કિવી ટીમ તરફથી કેપ્ટન કેન વિલિયમસન અને વિકેટકીપર બેટર ટૉમ લાથમની વચ્ચે શાનદાર અને રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ બની હતી. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે ૨૨૧* રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. ટૉમ લાથમે ૧૦૪ બોલમાં ૧૪૫ રન ફટકાર્યા હતા. તો કેપ્ટન કેન વિલિયમસને ૯૮ બોલમાં ૯૪ રન ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાના બોલર્સ આ જોડી સામે લાચાર થઈ ગયા હતા. ઉમરાન મલિકે બે વિકેટ, જ્યારે શાર્દૂલ ઠાકુરને એક વિકેટ મળી હતી. હવે સિરીઝની બીજી મેચ રવિવારે ૨૭મીએ સવારે ૭ વાગેથી રમાશે.

અગાઉ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ૩૦૭ રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત ઓવરમાં ૬ વિકેટે ૩૦૬ રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ શ્રેયસ અય્યરે ૮૦ રન બનાવ્યા હતા. તો કેપ્ટન શિખર ધવને ૭૨ રન અને શુબમન ગિલે ૫૦ રન બનાવ્યા હતા. તો વોશિંગ્ટન સુંદરે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર ૧૬ બોલમાં ૩૭ રન ફટકારી દીધા હતા. કિવી ટીમ તરફથી સૌથી વધુ લોકી ફર્ગ્યુસન અને ટિમ સાઉધીએ ૩-૩ વિકેટ ઝડપી હતી. ???

ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામે આ સતત પાંચમી વન-ડે મેચમાં હાર છે. ટીમ ઈન્ડિયા છેલ્લે ૨૦૧૯માં ન્યૂઝીલેન્ડ સામે વન-ડે મેચ જીતી હતી. આ પછી ભારતને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચેય વન-ડેમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.વર્ષ ૨૦૧૯ના વનડે વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ૧૮ રને હારનો સામનો કરવો પડ્યો હતો.આ પછી વર્ષ ૨૦૨૦માં રમાયેલી ૩ મેચની વન-ડે સિરીઝમાં ભારતને વાઇટવોશનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાને પહેલી વન-ડે મેચમાં ૪ વિકેટે હાર મળી હતી.આ પછી બીજી વન-ડે મેચમાં ૨૨ રને હાર મળી હતી.અને ત્રીજી વન-ડે મેચમાં ૫ વિકેટે પરાજય મળ્યો હતો અને હવે આજે પહેલી વન-ડેમાં ૭ વિકેટે પરાજય મળતા, ભારત કિવી ટીમ સામે સતત પાંચમી વન-ડે મેચ હાર્યું છે.