પૂર્વ મુખ્યમંત્રીને પેપર લીકની જાણ હતી, કૌભાંડ કર્યા : ગેહલોતના તત્કાલીન ઓએસડીનો ચોંકાવનારો ખુલાસો

જયપુર,રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના તત્કાલિન ઓએસડી લોકેશ શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ગેહલોત પર ગંભીર આરોપ લગાવ્યા છે. લોકેશ શર્માએ કથિત ફોન ટેપિંગ ઘટનાને લઈને ગેહલોત પર ઘણા આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું છે કે સચિન પાયલટનો ફોન સર્વેલન્સ પર હતો. ઓએસડી લોકેશ શર્માએ અશોક ગેહલોત અને પોતાની વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ સંભળાવ્યો છે. આ કથિત રીતે ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ સંબંધિત ઓડિયો એપિસોડ હતો.

લોકેશ શર્માએ કહ્યું છે કે સંજીવની કેસનો રાજકીય લાભ લેવા માટે સીએમ હાઉસમાં કાવતરું ઘડવામાં આવ્યું હતું. અશોક ગેહલોત કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત અને સચિન પાયલટની છબી ખરાબ કરવા માંગતા હતા. લોકેશ શર્માએ કહ્યું છે કે તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતે તેમને તમામ રેકોડગ આપ્યા હતા, આ રેકોડગ્સ સોશિયલ મીડિયામાંથી મળ્યા નથી. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ, તેમને મીડિયામાં સમાચાર ફેલાવવા માટે કહેવામાં આવ્યું હતું કે શાંતિ ધારીવાલના ઘરે એકઠા થયેલા ધારાસભ્યોએ માંગ કરી હતી કે સચિન પાયલટને મુખ્યમંત્રી ન બનાવવો જોઈએ, આ રીતે અશોક ગેહલોતે હાઈકમાન્ડને અંધારામાં રાખ્યું હતું

રાજસ્થાનમાં પેપર લીક મુદ્દે લોકેશ શર્માએ કહ્યું કે પેપર લીકમાં તંત્ર પોતે જ સામેલ છે. લોકેશે કહ્યું કે અશોક ગેહલોતે પોતાના લોકોને બચાવ્યા, બધું જ તેમની જાણમાં હતું. અશોક ગેહલોતે સરકારને છૂટો દોર આપ્યો, એટલે ભ્રષ્ટાચાર થયો. લોકેશે કહ્યું છે કે તે વર્તમાન સરકારને તપાસ માટે તમામ પુરાવા આપવા તૈયાર છે. લોકેશે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મહિલાઓને ૭,૪૦૦ કરોડના ખર્ચે મોબાઈલ ફોન આપવાના હતા પરંતુ એવું નહોતું અને તેમાં મોટું કૌભાંડ થયું હતું .