બસ્તી, ઉત્તર પ્રદેશના બસ્તીમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. જ્યાં લગ્નના વીસ વર્ષ પછી દુબઈમાં રહેતા તેના પતિએ ફોન પર ત્રણ વખત ’તલાક-તલાક’ કહીને પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. પીડિતાએ હવે તેના પતિ વિરુદ્ધ બસ્તી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુરાની બસ્તી પોલીસ સ્ટેશન વિસ્તારના અમૌલી ગામની રહેવાસી માહેનુરના હસતા રમતા પારિવારિક જીવનમાં ત્યારે ઝંઝાવાત આવ્યો જ્યારે દુબઈમાં રહેતા તેના પતિએ ફોન પર ત્રણ વાર તલાક કહીને તેને છોડીને અલગ કરી દીધી, એટલું જ નહીં, આરોપીએ બીજા લગ્ન પણ કરી લીધા.
હકીક્ત એમ છે કે, માહનુરના લગ્ન વર્ષ ૨૦૦૩માં બદરુદુજાશાહ સાથે થયા હતા, ત્યારપછી તેને વર્ષ ૨૦૦૯માં પ્રાથમિક શાળામાં નોકરી મળી ગઈ હતી. આ પછી માહનુરનો પતિ બદરુદુજાશાહ કામની શોધમાં દુબઈ ગયો હતો. આ સમય દરમિયાન મહેનુરને બે દીકરીઓ થઈ અને અહીંથી જ મહેનુરના જીવનમાં ગ્રહણ લાગવાનું શરુ થઇ ગયું હતું. બે દીકરીઓના જન્મ પછી તેનો પતિ તેના પર ગુસ્સે થવા લાગ્યો હતો અને તેની પત્નીને વારંવાર મારવા લાગ્યો હતો.
માહેનુરે ઘણા વર્ષો સુધી પતિના આ અત્યાચારો સહન કરવાનું ચાલુ રાખ્યું. લગ્નના ૨૦ વર્ષ પછી, ૨૨ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ, બદરુદુજાશાહે મહનૂરને ફોન કર્યો અને ત્રણ વાર તલાક બોલ્યા પછી તેને છોડી દીધી, પરંતુ મહનૂરે તેને સ્વીકારવાની ના પાડી. આ પછી, ૧૩ સપ્ટેમ્બરના રોજ ફરી એકવાર પતિ તેની સામે આવ્યો અને ત્રણવાર તલાક શબ્દ બોલીને, તેને માર માર્યો અને તેને ઘરની બહાર નિકાળી દીધી હતી.
પીડિતાએ તેના પતિ દ્વારા આપવામાં આવેલા ટ્રિપલ તલાકનો ઓડિયો પણ પોલીસ અધિક્ષકને આપ્યો છે અને પતિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. તેણે કહ્યું કે, જ્યારે આપણા દેશમાં ટ્રિપલ તલાકનો કાયદો અમલમાં છે, તો પછી મુસ્લિમ મહિલાઓને આમ કેવી રીતે હેરાન કરવામાં આવે છે. ત્રિપલ તલાક આપ્યા પછી પતિએ બીજા લગ્ન પણ કરી લીધા છે, જેનો વીડિયો પણ તેની પાસે છે. માહેનુરે કહ્યું કે હવે તેને પોલીસ પર વિશ્ર્વાસ છે કે, તેઓ જ તેને ન્યાય અપાવી શકશે.