લખનૌ, ભારતમાં આજે પણ દિકરીને સાપનો ભારો માનવામાં આવે છે. લોકોને હજુ આજે પણ પુત્રની ઝંખના છે. ઘરની પુત્રવધુ જો દિકરાને જન્મ ના આપે તો મેણાં-ટોણાં મારવામાં આવે છે. ઉત્તરપ્રદેશના પિલિભિત ગામમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પિલિભિત ગામના એક પરિવારમાં ૩૭ વર્ષીય શખ્સે બે દિકરી બાદ દિકરાની આશા રાખી હતી. પંરતુ પત્નીએ ત્રીજા સંતાનમાં દિકરીને જન્મ આપતા આ શખ્સે પુત્રીને જમીન પર પછાડી મોતને ઘાટ ઉતારી.
પિલિભિત ગામમાં સોમવારે એક મહિલાએ પુત્રીને જન્મ આપ્યો. બે દિવસની પુત્રીને બુધવારે મહિલાના પતિએ પોતાના ખોળામાં લીધી અને પછી જમીન પર પછાડી તેની હત્યા કરી. પુત્રીની હત્યા કરનાર પિતા વિરુદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી. મહિલા ફરિયાદમાં કહે છે કે બે દિવસની તેની નવજાત બાળકીનું સ્વાસ્થ્ય સારું નહોતું. જેના કારણે ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે બીજા વોર્ડમાં ખસેડવાની સલાહ આપી હતી. પરંતુ પતિએ આ સારવાર કરવાની ના પાડતા જમીન પર પટકી. જેના કારણે નવજાત બાળકીનું મૃત્યુ થયું.
બે દિવસની પોતાની નવજાત બાળકીને મોતને હવાલે કરનાર મહોમ્મદ ફરહાન એક ખેડૂત છે. પાંચ વર્ષ પહેલા મહોમ્મદ ફરહાનના લગ્ન શબ્બો બેગમ સાથે થયા હતા. શબ્બોએ લગ્નના પાંચ વર્ષમાં બે દિકરીઓને જન્મ આપ્યો. શબ્બો ત્રીજી વખતે ગર્ભવતી બની ત્યારે તેના પતિએ અનેક વખત ધમકી આપી હતી કે દિકરીને જન્મ ના આપે. ગર્ભાવસ્થા દરમ્યાન અનેક લાતો મારી અત્યાચાર ગુજાર્યો હતો. મહિલા ફરિયાદમાં કહે છે કે તેના પતિએ આ વખતે દિકરીને જન્મ આપશે તો તલાક આપવાની ધમકી પણ ઉચ્ચારી હતી.
શબ્બો નામની મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી તો બીજી બાજુ પોલીસ કહી રહી છે કે પતિ-પત્નીએ આપસમાં સમજૂતી કરી મામલો ઉકેલ્યો છે. આ મામલે કોઈ ફરિયાદ નથી. પરંતુ ફરિયાદ મહિલા શબ્બોનું કહેવું છે કે જબરજસ્તી કરી મામલો નિપટાવવા પતિ સાથે સમાધાન કરવા તેના પર પોલીસ દબાણ કરી રહી છે. મહિલા કહે છે કે પોલીસ ખોટું બોલી રહી છે તે ઇચ્છે છે કે તેના પતિને તેના કૃત્યની સજા મળે. પોલીસ અને પતિ વિરુદ્ધ મહિલાએ સીઓ સમક્ષ ફરિયાદ કરી. જે અંતર્ગત સીઓ સુનીલદત્તે પોલીસની કાર્યવાહી મામલે તપાસ થશે અને જો મહિલા પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગે છે તો ફરિયાદ નોંધવામાં આવશે તેવું આશ્ર્વાસન આપ્યું હતું.