ઔરંગાબાદ, પુત્ર મેળવવા માટેની ધાર્મિક ટેક્નિક એન્ટિ-સેક્સ ઓળખ કાયદા હેઠળ ગુનો છે અને બોમ્બે હાઇકોર્ટે એક મરાઠી કીર્તનકાર ઇન્દોરીકર મહારાજ પર કેસ નોંધ્યો છે. નિવૃત્તિ કાશીનાથ દેશમુખ (ઇન્દોરીકર મહારાજ)એ દંપતિને પુત્ર મેળવવા માટે બેકી દિવસે સેક્સ કરવા જણાવ્યું હોવાનો આરોપ છે. કોર્ટે દેશમુખ સામેનો કેસ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી.
જજ કિશોર સંતે જણાવ્યું હતું કે, પ્રિ-કન્સેપ્શન અને પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ એક્ટ (પીસીપીએનડીટી એક્ટ) હેઠળના પ્રચારને માત્ર ડાયગ્નોસ્ટિક કેન્દ્રો પૂરતા મર્યાદિત રાખી શકાય નહીં. તેનો વ્યાપ વધારવો જરૂરી છે. આ કેસમાં શબ્દો પર ધ્યાન આપવામાં આવે તો તે પુત્ર કે પુત્રીની પસંદગીની ટેક્નિક માટેનો પ્રચાર જણાય છે. આવા વિજ્ઞાપનોના વ્યાપક અર્થ પર ધ્યાન આપવું જરૂરી છે. તેને ધ્યાન માં રાખીને કોર્ટે ડોક્ટર દ્વારા ફાઇલ કરાયેલી અરજીને મંજૂર રાખી છે અને પીસીપીએનડીટી એક્ટ હેઠળ નિવૃત્તિ દેશમુખ સામે કાર્યવાહીના મેજિસ્ટ્રેટના આદેશને માન્ય રાખ્યો છે.
ઘટનાની વિગત અનુસાર વક્તા અને કીર્તનકાર દેશમુખે ૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ પુત્ર મેળવવા માટેની સેક્સ ટેક્નિક અંગે ઘણા લોકોને સંબોધ્યા હતા. તેમણે કેટલાક ધાર્મિક ગ્રંથો તેમજ આયુર્વેદના પુસ્તકોને ટાંકીને લોકોને ટેક્નિકની વિગત જણાવી હતી. તેમનું ભાષણ એ જ દિવસે યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યું હતું. દેશમુખે જણાવ્યું હતું કે, ‘પતિ અને પત્ની બેકી તારીખે સંભોગ કરે તો તેમને પુત્રની પ્રાપ્તિ થશે. જ્યારે એકી તારીખે સંભોગ કરવાથી પુત્રીનો જન્મ થશે.’ તેમણે દાવો કર્યો હતો કે, ‘છ મહિના પછી ગર્ભમાં બાળક જમણી તરફ પડખું ફેરવે તો એ પુત્ર હશે અને ડાબી તરફ ફરે તો એ પુત્રી હશે.’
અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના વકીલ રંજના પગરે અહમદનગર જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. ભાસ્કર માધવરાવ ભવરને રજૂઆત કરી હતી. ફરિયાદમાં તથ્ય જણાતા ડો. ભાસ્કરે દેશમુખને નોટિસ આપી હતી અને ત્યાર પછી પીસીપીએનડીટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ કરી હતી.