પુત્ર અબ્બાસને મુખ્તાર અંસારીની કબર પર ફાતિહા વાંચવાની મંજૂરી મળી

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે અબ્બાસ અંસારીને તેમના પિતાની કબર પર જવા અને ફાતિહા વાંચવાની મંજૂરી આપી છે. ૧૦ એપ્રિલે મુખ્તાર અંસારીની કબર પર ફાતિહા પઢવામાં આવશે, જેમાં તેમનો પુત્ર અબ્બાસ અંસારી પણ હાજરી આપશે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્દેશમાં કહ્યું કે અબ્બાસ અન્સારીને પોલીસ કસ્ટડીમાં કાસગંજ જેલમાંથી ગાઝીપુર સ્થિત તેના ઘરે લઈ જવામાં આવશે. અબ્બાસ અંસારીને પોલીસ કસ્ટડીમાં ૧૩ એપ્રિલે કાસગંજ જેલમાં પરત લાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવા સૂચના આપી છે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્દેશોમાં કહ્યું છે કે અબ્બાસ અન્સારી સંબંધિત પોલીસ ટીમ આજે સાંજે ૫ વાગ્યા પહેલા ગાઝીપુર માટે રવાના થઈ જાય. કોર્ટે અબ્બાસ અંસારીને ૧૧ અને ૧૨ એપ્રિલે તેના પરિવારને મળવાની મંજૂરી આપી છે. કોર્ટે અબ્બાસ અંસારીને આ સમયગાળા દરમિયાન મીડિયા સાથે વાત ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. અબ્બાસ અંસારી કાસગંજની પચલાના જિલ્લા જેલમાં બંધ છે અને જેલમાં હોવાને કારણે તે તેના પિતા મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો નથી. આવી સ્થિતિમાં અબ્બાસ અન્સારીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને પિતાની કબર પર ફાતિહા વાંચવાની પરવાનગી માંગી હતી. સુપ્રીમ કોર્ટે હવે અબ્બાસને મંજૂરી આપી દીધી છે.