પુતિનના ખાસ ગણાતા ન્યૂક્લિયર ચીફની બ્લાસ્ટમાં હત્યા:બિલ્ડિંગ પાસે સ્કૂટરમાં 300 ગ્રામ વિસ્ફોટક સામગ્રી મૂકવામાં આવી હતી; રશિયાએ તપાસ શરૂ કરી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના અને પરમાણુ સુરક્ષા બળના ચીફ ઇગોર કિરિલોવની મોસ્કોમાં હત્યા કરી દેવામાં આવી છે. બીબીસીના જણાવ્યા પ્રમાણે જનરલ કિરિલોવ અપાર્ટમેન્ટમાંથી બહાર આવી રહ્યા હતા તે સમયે નજીકમાં જ પાર્ક સ્કૂટરમાં બ્લાસ્ટ થઈ ગયો. જેમાં કિરિલોવ સાથે-સાથે તેમનો આસિસ્ટન્ટ પણ મૃત્યુ પામ્યો છે.

આ બ્લાસ્ટ મોસ્કોના રાષ્ટ્રપતિ મહેલ ક્રેમલિનથી માત્ર 7 કિમી દૂર થયો હતો. રશિયાની તપાસ એજન્સીએ જણાવ્યું કે બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એજન્સીએ ગુનાહિત હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. કિરિલોવને એપ્રિલ 2017માં ન્યુક્લિયર ફોર્સેસના ચીફ બનાવવામાં આવ્યા હતા. તેઓ રશિયાના રેડિએશન, કેમિકલ અને જૈવિક હથિયાર જેવા વિભાગોના ચીફ રહી ચૂક્યા હતા.આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનાથી બિલ્ડિંગના ચોથા માળ સુધીની બારીઓના કાચ તૂટી ગયા હતા. યુએન ટૂલ મુજબ, લગભગ 17 મીટર (55 ફૂટ) ના અંતરે આવેલી કાચની બારી પણ 300 ગ્રામ TNT વિસ્ફોટક દ્વારા તોડી શકાય છે. આ સિવાય આ વિસ્ફોટક બ્લાસ્ટમાં 1.3 મીટર દૂર આવેલા ઘરને પણ નુકસાન પહોંચાડી શકાય છે.

ઇગોર કિરિલોવે ઓક્ટોબર 2024માં યુક્રેન પર અમેરિકાની મદદથી ડર્ટી બોમ્બ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. ડર્ટી બોમ્બ બનાવવામાં રેડિયોએક્ટિવ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમને બનાવવાની કિંમત પણ ઓછી છે. આ સિવાય 2018માં તેમણે અમેરિકા પર રશિયા અને ચીન બોર્ડર પાસે જ્યોર્જિયામાં ગુપ્ત બાયોલોજિકલ વેપન્સ લેબોરેટરી ચલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.આ વર્ષે અમેરિકાએ રશિયા પર યુક્રેનમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં કિરિલોવે કહ્યું હતું કે રશિયાએ સપ્ટેમ્બર 2017માં નિર્ધારિત સમય પહેલા તેના તમામ રાસાયણિક હથિયારોને નષ્ટ કરી દીધા હતા. જ્યારે અમેરિકાએ આ કામ 2023માં કર્યું હતું.

બીજી તરફ, યુક્રેન સિક્યોરિટી સર્વિસીઝ (એસબીયુ) એ દાવો કર્યો છે કે રશિયાએ લગભગ 5,000 વખત રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો છે. તેમાંથી, તેઓ આ વર્ષે મે મહિનામાં 700 થી વધુ વખત ઉપયોગમાં લેવાયા હતા.કિવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, યુદ્ધમાં પ્રતિબંધિત રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાના આરોપમાં દોષિત કબૂલ્યા બાદ યુક્રેનની સુરક્ષા સેવા દ્વારા કિરિલોવને ગઈકાલે એટલે કે સોમવારે સજા ફટકારવામાં આવી હતી.