પુટિન સામે બળવો કરનારનો અંજામ જેલ અથવા તો હત્યા

મોસ્કો, વેગનર સેનાની મોસ્કો માર્ચ અને અહિંસક રીતે પીછેહટ કરવામાં આવ્યા બાદ યેવગેની પ્રિગોઝિન મંગળવારે બેલારુસ પહોંચી ગયો હતો. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેક્ધોએ આ અહેવાલને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પ્રિગોઝિન બેલારુસમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભલે ક્રેમલિને પ્રિગોઝિનને માફી આપવાનું વચન આપ્યું છે પરંતુ પુટિન તેમને એમ જ છોડી દેશે તેમ માનવા માટે કોઇ કારણ નથી. કારણ કે પુટિન પોતાની ટીકા કરનાર અથવા તો રશિયન સરકારની સામે બળવો કરનાર લોકોને સ્વીકાર કરતા નથી.

પુટિને સરકાર સામે બળવો કરનાર નેતાઓ અને જાસૂસોની હત્યાઓ પણ કરાવી છે. વેગનર પ્રમુખ પ્રિગોઝિન પણ આ બાબતથી વાકેફ છે કે, બેલારુસમાં તે સુરક્ષિત રહેશે નહી. ૨૦૦૩માં પુટિને રશિયાના સૌથી અમીર વ્યક્તિ મિખાઇલ ખોદોર્કોવસ્કીને જેલમાં નાંખી દીધા હતા. રશિયન સરકારના ભ્રષ્ટાચારની વાત કરવા બદલ તેમને જેલ ભેગા કરાયા હતા.૨૦૦૬માં કેજીબીના પૂર્વ જાસૂસ એલેકઝાન્ડર લિત્વિનેક્ધો લંડનની એક હોટેલમાં મૃત હાલતમાં મળ્યા હતા.૨૦૧૫માં વિપક્ષના નેતા બોરિસ નેમત્સોવની ક્રેમલિનની સામે ગોળી મારીને હત્યા કરાઈ હતી. મોતથી પહેલાં તેઓએ યુક્રેનમાં હુમલાની સામે રસ્તા પર ઉતરવા લોકોને કહ્યું હતુ.૨૦૧૬માં કોમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ નેતા અને પુટિનના વિરોધી ડેનિસ વોરોનેક્ધોવની કીવમાં ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી.

૨૦૨૧માં પુટિનના આદેશ પર રશિયાના વિપક્ષના નેતા એલેક્સી નવલ્નીની ધરપકડ કરાઈ હતી. કેટલાક પત્રકારોને વિદેશી જાસૂસ ગણાવીને કાર્યવાહી કરાઈ છે.

પ્રિગોઝિનની સામે હળવા પગલા મુદ્દે ચર્ચા છેડાઈ છે. પ્રિગોઝિન મામલામાં એક થિયરીમાં આ સમગ્ર બળવો શરૂઆતથી જ એક નાટક તરીકે હોવાનો ખુલાસો થયો છે. પુટિને હેતુને પાર પાડવા માટે આ નાટકની રચના કરી હોવાનું પણ માનવામાં આવે છે.

નિષ્ણાતો કહે છે કે, સરમુખત્યાર લોકો કેટલીક વખત નિષ્ફળ બળવાની ઘટનાનો ઉપયોગ પોતાના લાભ માટે કર્યો છે. પુટિનને વિપક્ષની સામે કાર્યવાહી કરવાની વધુ એક તક મળી હોવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.