રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે કહ્યું કે જો 2022માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધને ટાળી શકાયું હોત. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દે ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર છે. રશિયાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે 2020માં ટ્રમ્પ પાસેથી જીત છીનવી લેવામાં આવી હતી.
એક રશિયન ટીવી ચેનલ સાથે વાત કરતા પુતિને કહ્યું –
હું ટ્રમ્પ સાથે સંમત છું કે જો 2020માં તેમની જીત થઈ હોત, તો 2022માં યુક્રેન સંકટ કદાચ આવ્યું ન હોત. જ્યાં સુધી વાતચીતનો સવાલ છે – અમે હંમેશા કહ્યું છે, અને હું ફરી એકવાર ભારપુર્વક કહેવા માંગુ છું કે યુક્રેનના મુદ્દા પર વાતચીત માટે તૈયાર છું.
અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઘણી વખત દાવો કરી ચૂક્યા છે કે જો બાઈડનની જગ્યાએ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધ શરૂ ન થયું હોત.
ટ્રમ્પે કહ્યું- OPECએ દેશમાંથી તેલની કિંમતો ઘટાડવી જોઈએ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC)ને તેલની કિંમતો ઘટાડવા માટે કહ્યું છે. ટ્રમ્પનું માનવું છે કે આનાથી રશિયા-યુક્રેન યુદ્ધને રોકી શકાય છે.સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક સમિટમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા બોલતા ટ્રમ્પે ત્રણ વર્ષ સુધી ચાલેલા યુક્રેન યુદ્ધ માટે OPEC+ દેશોના ગઠબંધનને જવાબદાર ગણાવ્યું હતું.
આ સિવાય ટ્રમ્પે શુક્રવારે નોર્થ કેરોલિનામાં પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન પણ ફરીથી આ વાત જણાવી હતી.ટ્રમ્પે યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું,
આ સમયે માત્ર ગોળીઓ ચલાવવામાં આવી રહી છે અને લોકોને મારવામાં આવી રહ્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો માર્યા ગયા છે અને દર અઠવાડિયે હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે.
ટ્રમ્પે કહ્યું- આ મૂર્ખતાભર્યુ યુદ્ધ ખતમ કરો
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ડીલ કરવી જોઈએ. તેમણે પુતિનને ચેતવણી આપી હતી કે, જો તેઓ યુક્રેનમાં “મૂર્ખતાભર્યુ યુદ્ધ” સમાપ્ત નહીં કરે, તો તેમને હાઈ ટેરિફ અને વધારાના પ્રતિબંધોનો સામનો કરવો પડશે.ટ્રમ્પ ટૂંક સમયમાં પુતિન સાથે મુલાકાત કરી શકે છે. ટ્રમ્પે 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા.
ટેરિફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો રશિયાએ જવાબ આપ્યો છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ક્રેમલિન (પ્રેસિડેન્ટ ઓફિસ)એ કહ્યું કે રશિયા પર પ્રતિબંધો અને ટેરિફ લાદવાની ટ્રમ્પની ધમકીમાં કંઈ નવું નથી.