કીવ, રશિયાએ ફરી એકવાર યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. રાતોરાત થયેલા હુમલામાં ૩૨ મિસાઇલો છોડવામાં આવી હતી. હુમલામાં ચાર પાવર પ્લાન્ટને નુક્સાન થયું હતું. યુક્રેનિયન એરફોર્સે કહ્યું કે તેઓએ ૨૧ મિસાઇલોનો નાશ કર્યો. પાવર પ્લાન્ટ સાથે સંકળાયેલી કંપની ડીટીઇકે એ જણાવ્યું કે પાવર પ્લાન્ટમાં ઘણા લોકો ઘાયલ થયા છે.
યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાકવમાં મિસાઈલ હુમલામાં એક મનોરોગ હોસ્પિટલને નુક્સાન થયું હતું અને એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. ઘટનાસ્થળની તસવીરોમાં હોસ્પિટલની નજીક એક મોટો ખાડો દેખાય છે અને દર્દીઓ કોરિડોરમાં આશ્રય લેતા હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાદેશિક ગવર્નર ઓલેહ સિનિહુબોવે કહ્યું કે ૫૩ વર્ષીય મહિલાને ઈજા થઈ છે.
આ દરમિયાન યુક્રેને રશિયા પર ડ્રોન વડે હુમલો કર્યો છે. રશિયાએ કહ્યું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ દક્ષિણ ક્રાસ્નોદર ક્ષેત્રમાં ૬૦ થી વધુ ડ્રોનને અટકાવ્યા છે. ક્રાસ્નોદર પ્રદેશના ગવર્નર વેનિઆમિન કોન્દ્રત્યેવે જણાવ્યું હતું કે યુક્રેનિયન દળોએ ઓઈલ રિફાઈનરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું હતું, પરંતુ કોઈ જાનહાનિ કે ગંભીર નુક્સાન થયું ન હતું. હુમલા દરમિયાન સ્લેવ્યાન્સ્ક ઓઇલ રિફાઇનરીમાં આગ ફાટી નીકળી હતી. યુક્રેનના ઉર્જા મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે રશિયાના ક્રાસ્નોદર ક્ષેત્રમાં ઇલ્સ્કી અને સ્લેવ્યાન્સ્ક ઓઇલ રિફાઇનરીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનિયન ડ્રોને રાત્રે કુશ્ર્ચેવસ્ક મિલિટરી એરફિલ્ડને પણ નિશાન બનાવ્યું હતું.