પુતિનને મળવા માટે કિમ જોંગ ઉન રશિયા જશે: કિમ એન્ટીટેક્ધ મિસાઈલના બદલામાં રશિયા પાસે અનાજની માંગ કરશે; બુલેટ પ્રુફ ટ્રેનમાં મુસાફરી કરશે

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે રશિયા જશે. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યુક્રેન યુદ્ધમાં હથિયારોની સપ્લાય અને સૈન્ય સહયોગ પર વાત કરશે. રશિયાના પ્રવાસ માટે કિમ જોંગ ઉન નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી રશિયન શહેર વ્લાદિવોસ્તોક સુધી સશસ્ત્ર ટ્રેન દ્વારા મુસાફરી કરશે.

એવું માનવામાં આવે છે કે કિમ હવાઈ મુસાફરીથી ડરે છે, એવામાં તેઓ મોટાભાગે ટ્રેનમાં મુસાફરી કરે છે. આ ટ્રેનને 1949માં​​​​​​​ સ્ટાલિને કિમના દાદા કિમ ઇલ સુંગને ​​​​​​​ભેટમાં આપી હતી. આ એક ઈન્ટર કનેક્ટેડ ટ્રેન છે જેમાં ઘણા કોચ છે. કિમ જ્યારે પણ નોર્થ કોરિયા અથવા ચીનની યાત્રા કરે છે ત્યારે તેમની આખી ટીમ આ ટ્રેનમાં તેમની સાથે હોય છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, રશિયા નોર્થ કોરિયા પાસેથી આર્ટિલરી શેલ્સ અને એન્ટી ટેન્ક મિસાઈલ ઈચ્છે છે. તેના બદલામાં નોર્થ કોરિયા રશિયા પાસેથી સેટેલાઇટ અને ન્યુક્લિયર સબમરીન ટેક્નોલોજીની માંગ કરશે. આ સિવાય કિમ જોંગ ઉન પોતાના દેશ માટે ખાદ્યચીજોની સહાય પણ ઈચ્છે છે.

બંને નેતાઓ 10 થી 13 સપ્ટેમ્બર દરમિયાન ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા વ્લાદિવોત્સોકમાં ફાર ઈસ્ટર્ન ફેડરલ યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કિમ જોંગ ઉન રશિયાના પેસિફિક મહાસાગર ફ્લીટના નેવલ બેઝ પિઅર 33ની પણ મુલાકાત લઈ શકે છે.

બુધવારે વ્હાઇટ હાઉસે પુતિન અને કિમ વચ્ચે હથિયાર ડીલ અંગે ચેતવણી આપી હતી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ પર ઉચ્ચ સ્તરીય વાતચીત સતત વધી રહી છે. જો કે, અધિકારીઓએ આ અંગે વધુ વિગતો આપવાનો ઈન્કાર કર્યો હતો. નોર્થ કોરિયા અને રશિયાને અમેરિકાના સૌથી દુશ્મન દેશો માનવામાં આવે છે.

અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડ્રિન વોટસને કહ્યું કે અમેરિકા માને છે કે બંને નેતાઓ વચ્ચે શસ્ત્રોનું વેચાણ થવા જઈ રહ્યું છે. અમે નોર્થ કોરિયાને રશિયા સાથે શસ્ત્રોના સોદાને લઈને વાતચીત બંધ કરવા કહેવા માંગીએ છીએ.

સાથે જ તેઓ રશિયાને શસ્ત્રો ન આપવા અથવા વેચવા નહીં જેવા મુદ્દા પર મક્કમ રહ્યા. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકા રશિયાને હથિયારોની સપ્લાય અટકાવવા પ્રયાસ કરી રહ્યું છે. આ માટે તે ચીન અને નોર્થ કોરિયા પર રશિયાને હથિયાર ન આપવાનું સતત દબાણ કરી રહ્યું છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, નોર્થ કોરિયાએ રશિયાને હથિયારોની સપ્લાય કરવાની અગાઉની ડીલ અમેરિકન દબાણને કારણે રદ્દ કરી દીધી હતી.

બીબીસીના અહેવાલ મુજબ 1990ના દાયકામાં ઉત્તર કોરિયામાં ખતરનાક દુકાળ પડ્યો હતો. ત્યારથી અહીં ખાદ્યચીજોની અછત છે. ફેબ્રુઆરીમાં, નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે નોર્થ કોરિયામાં અનાજનું ઉત્પાદન ઘટવાને કારણે ખાદ્ય સંકટ વધુ ઘેરુ બન્યું છે. પ્રતિકૂળ હવામાન અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ત્યાંની સ્થિતિ સતત વણસી રહી છે.

દક્ષિણ કોરિયાની સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે વર્ષ 2022માં ઉત્તર કોરિયામાં 2021ની સરખામણીમાં 18 હજાર ટન ઓછું અનાજનું ઉત્પાદન થયું હતું.

2022માં ઉત્તર કોરિયાના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનાજની અછતને પહોંચી વળવા માટે કિમ જોંગ ઉને લોકોને ઓછું ખાવાનું કહ્યું હતું. ઉત્તર કોરિયાના સરકારી મીડિયા અનુસાર, કિમ જોંગે કોરિયા વર્કર્સ પાર્ટી (WPK)ની બેઠકમાં કહ્યું હતું – હવે દેશમાં ફેક્ટરીઓ લગાવવા પર કામ કરવામાં આવશે અને લોકોનું જીવન સુધરશે. આ સમયે દેશ ‘જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ’ કરી રહ્યો છે.

મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી કિમની તસવીરમાં તે પહેલા કરતા ઘણા પાતળા દેખાતા હતા. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર દેશમાં ખાદ્યપદાર્થોની અછતને જોતા કિમ જોંગે પોતાના ખોરાકમાં ઘટાડો કર્યો હતો. આ સાથે તેમણે દેશના લોકોને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓછું ભોજન લેવાનો આદેશ આપ્યો હતો.