
હૈદરાબાદથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. બ્લોકબસ્ટર પેન-ઇન્ડિયા એક્શન ડ્રામા ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’માં અલ્લુ અર્જુનના મિત્રોનો પાત્ર ભજવનાર એક્ટર જગદીશ પ્રતાપની પંજાગુટ્ટા પોલીસે ધરપકડ કરી હતી. તેના પર એક જુનિયર આર્ટિસ્ટને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.
જગદીશ પ્રતાપ એક જુનિયર આર્ટિસ્ટ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. આ જુનિયર આર્ટિસ્ટે 29 નવેમ્બરે આત્મહત્યા કરી હતી. મૃતકના પરિવારજનોએ મહિલાના મોત માટે જગદીશને જવાબદાર ગણાવ્યો હતો. ફરિયાદ અને તપાસના આધારે ગઈકાલે પુષ્પા ફેમ અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી. મૃતક પણ એક કલાકાર હતી અને તેણે કેટલીક શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જગદીશે મૃતક મહિલાની વીડિયો ક્લિપ બનાવી હતી જ્યારે તે 27 નવેમ્બરના રોજ અન્ય પુરુષ સાથે હતી. જગદીશે કથિત રીતે મહિલાને બ્લેકમેઈલ કરી અને તેની અંગત તસવીરો ઈન્ટરનેટ પર પોસ્ટ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ મહિલાએ પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. મહિલાના મોત બાદ જગદીશ ફરાર હતો અને આખરે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે તેને રિમાન્ડ પર મોકલી દીધો છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.