પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું નિધન:૯૩ની ઉંમરમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

પૂર્વ વિદેશ મંત્રી કે. નટવર સિંહનું શનિવારે રાતે લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું. તેઓ ૯૩ વર્ષનાં હતા. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો, જ્યાં તેમને છેલ્લાં થોડાં દિવસો પહેલાં દાખલ કરવામાં આવ્યા હતા.

કે. નટવર સિંહે ૨૦૦૪-૦૫ દરમિયાન યુપીએ ૧ સરકારમાં ભારતના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન મનમોહન સિંહ હતા. તેમણે પાકિસ્તાનમાં રાજદૂત તરીકે પણ સેવા આપી હતી અને ૧૯૬૬થી ૧૯૭૧ સુધી તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યાલય સાથે જોડાયેલા હતા.૧૯૮૪માં નટવર સિંહને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.,નટવર સિંહનો જન્મ રાજસ્થાનના રાજવી પરિવારમાં થયો હતો

કે. નટવર સિંહનો જન્મ ૧૬ મે ૧૯૩૧ના રોજ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ કુંવર નટવર સિંહ હતું અને તેઓ એક રાજવી પરિવારના હતા. તેમણે મેયો કોલેજ, અજમેર અને કેમ્બ્રિજ યુનિવસટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ ભારતીય વિદેશ સેવામાં જોડાયા અને ૧૯૫૩માં તેમની સેવાઓ શરૂ કરી. રાજદ્વારી તરીકે કે. નટવર સિંહની કારકિર્દી ખૂબ લાંબી હતી. તેઓ પાકિસ્તાન, અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત હતા. ૧૯૬૬ થી ૧૯૭૧ સુધી, તેઓ પીએમ ઈન્દિરા ગાંધીના કાર્યાલય સાથે જોડાયેલા હતા અને તેમના વિશેષ સહાયક તરીકે કામ કરતા હતા.

નટવર સિંહ ૧૯૮૪માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર લોક્સભાની ચૂંટણી લડ્યા હતા અને રાજસ્થાનના ભરતપુરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ૨૦૦૪માં તેમને યુપીએ ૧ સરકારમાં ભારતના વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જોકે, ’ઓઇલ ફોર ફૂડ’ કૌભાંડમાં તેમનું નામ સામે આવતાં તેમણે ૨૦૦૫માં પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

૧૯૮૪માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. નટવર સિંહે ઘણા પુસ્તકો અને સંસ્મરણો લખ્યા છે. તેમની આત્મકથા ’વન લાઈફ ઈઝ નોટ ઈનફ’ ખૂબ જ લોકપ્રિય છે, જેમાં તેમણે તેમના જીવન અને રાજકીય અનુભવો વિશે વિગતવાર લખ્યું છે.

નટવર સિંહે તેમના પુસ્તક ’વન લાઈફ ઈઝ નોટ ઈનફ’માં ૨૦૦૪ની ઘટના પણ વર્ણવી છે, જ્યારે કોંગ્રેસ લોક્સભાની ચૂંટણી જીતી ગઈ હતી અને સોનિયા ગાંધી વડાપ્રધાન બનવા જઈ રહ્યા હતા તે લગભગ નિશ્ર્ચિત હતું. પરંતુ, છેલ્લી ઘડીએ સોનિયાએ આ પદને ફગાવી દીધુ હતુ.નટવર સિંહે લખ્યું હતું કે, ’તે સમયે ગાંધી પરિવારને પીએમ પદ પર શંકા હતી. રાહુલે તેની માતાને કહ્યું કે તે પીએમ નહીં બને. રાહુલ તેની માતા સોનિયાને રોકવા માટે કંઈ પણ કરવા તૈયાર હતો. મા-દીકરો બંને જોર-જોરથી વાતો કરી રહ્યા હતા. રાહુલને ડર હતો કે જો તેની માતા પીએમ બનશે તો તેને પણ તેના દાદી અને પિતાની જેમ મારી નાખવામાં આવશે.

’રાહુલ ખૂબ ગુસ્સામાં હતો. તે સમયે હું, મનમોહન સિંહ અને પ્રિયંકા ત્યાં હતા. મામલો ત્યારે વધી ગયો જ્યારે રાહુલે કહ્યું કે માતા હું તમને ૨૪ કલાકનો સમય આપું છું. શું કરવું તે તમે નક્કી કરો છો? અશ્રુભીની માતા (સોનિયા) માટે રાહુલના શબ્દોની અવગણના કરવી અશક્ય હતી.

૧૮ મે ૨૦૦૪ના રોજ સવારે સોનિયા ગાંધી વહેલી સવારે જાગી ગયા હતા. તે ચૂપચાપ રાહુલ અને પ્રિયંકા સાથે ઘરની બહાર નીકળી ગયા. સોનિયાની કાર રાજીવ ગાંધીની સમાધિ પર પહોંચી. ત્રણેય થોડી વાર સમાધિની સામે બેસી રહ્યા. તે જ દિવસે સાંજે ૭ વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના સાંસદોની બેઠક યોજાઈ હતી.

નટવરે લખ્યું- ’સોનિયા ગાંધીએ રાહુલ અને પ્રિયંકા તરફ જોયું અને કહ્યું- મારું લક્ષ્ય ક્યારેય વડાપ્રધાન બનવાનું નથી. હું હંમેશા વિચારતી હતી કે જો હું ક્યારેય આવી પરિસ્થિતિમાં આવીશ, તો હું મારા અંતરાત્માની વાત સાંભળીશ. આજે તે અવાજ કહે છે કે મારે આ પદને નમ્રતાથી સ્વીકારવું જોઈએ નહીં.