ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, ગુજરાતના CM વિજય રૂપાણીની આજે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની અબોટે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. ગુજરાત અને ઓસ્ટ્રેલિયાના વેપાર સંબંધો વધુ મજબુત બનાવવા ટોની અબોટે CM વિજય રૂપાણીની મુલાકાત કરી વિચાર વિમર્શ કર્યો હતો. CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વૈશ્વિક રોકાણ માટે યોજાતા વાઇબ્રન્ટ સમિટમાં ઓસ્ટ્રેલિયા વર્ષોથી ગુજરાતનું પાટનર કન્ટ્રી રહ્યું છે. મોટા પ્રમાણમાં ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં સોલાર એનર્જી ક્ષેત્રે રોકાણની તકો અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વમાં કચ્છમાં 60,000 હેક્ટર જમીનમાં 30,000 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાનો રિન્યુએબલ એનર્જા પાર્ક સ્થપાવા જઇ રહ્યો છે. જેમાં ભારતભરની અગ્રણી કંપનીઓ રોકાણ કરવા જઈ રહી છે. ગાંધીનગરમાં આવેલા GIFT સિટી પણ ફાઇનાન્સિયલ સેવા ક્ષેત્રે ભારતમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાત પ્રવાસન ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવે છે. તાજેતરમાં કચ્છમાં આવેલા હડપ્પનકાળના નગર ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેઝ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ અગાઉ યુનેસ્કો દ્વારા ગુજરાતમાં ચાંપાનેરનો કિલ્લો અને રાણીની વાવને વર્લ્ડ હેરિટેઝ સાઇટ તરીકે તેમજ અમદાવાદને ભારતની પ્રથમ હેરિટેઝ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં રોકાણ માટે તમામ જરૂરી સહયોગની પણ CM વિજય રૂપાણીએ ખાતરી આપી હતી. ગુજરાત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો આગામી સમયમાં વધુ મજબુત બનશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની અબોટે જણાવ્યું હતું કે, ગુજરાત- ભારત સાથે ઓસ્ટ્રેલિયાના આર્થિક અને વેપાર સંબંધો વધુ આગળ વધારવા કટિબદ્ધ છીએ. ટોની અબોટે ગુજરાત સાથે વિવિધ ક્ષેત્રે દ્વિપક્ષીય વેપાર અને રોકાણની તકો વધારવા, વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ ઓસ્ટ્રેલિયા- ગુજરાત વચ્ચે વ્યાપક આર્થિક સહકાર વધારવા સહિતના મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ટોની અબોટને ભારત સાથે ઓસ્ટ્રેલિયાના આર્થિક અને વેપાર સંબંધોને વધુ આગળ વધારવા માટે ખાસ દૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમે અબોટને ગુજરાતમાં રોકાણની વિવિધ તકો, ગુજરાતની ઔદ્યોગિક નીતિથી માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયા ડેલિગેશનમાં હાઇ કમિશનર ટુ ઇન્ડિયા Mr. Barry O’Farrell AO, મુંબઇ ખાતેના ઓસ્ટ્રેલિયન કોન્સુલેટ જનરલ, કોન્સુલ જનરલ Mr. Peter Truswell તેમજ ઓસ્ટ્રેલિયન હાઇ કમિશન દિલ્હી ખાતેના ઇકોનોમિક કાઉન્સિલર Mr. Hugh Boylan જોડાયા હતા. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, GMDCના MD રૂપવંત સિંઘ, ઇન્ડેક્ષ-બીના એમ. ડી. નિલમ રાની સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.