પૂર્વ યુરોપના અનેક દેશોમાં મૂશળધાર વરસાદને કારણે તબાહી, અનેક લોકોના મોત

અલ્બેનિયા,

પૂર્વ યુરોપના ઘણા દેશોમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતીની જમીનમાં પાણી ભરાઈ ગયા છે. પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા અને બધુ તબાહ કરી નાખ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો તેનાથી પ્રભાવિત છે.

પશ્ર્ચિમી બાલ્કન્સના ત્રણ દેશો મોન્ટેનેગ્રો, સબયા અને અલ્બેનિયામાં પૂરને કારણે લોકો માટે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ છે. તેણે ઉત્તર-પશ્ર્ચિમ અલ્બેનિયાના પ્રદેશોને સૌથી વધુ નુક્સાન પહોંચાડ્યું છે. અહીં હજારો એકર ખેતીની જમીન નાશ પામી છે અને અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે માત્ર ૧૨ કલાકમાં જ રવિવારે ૪૦૦ મીમી એટલે કે ૧૪ ઈંચ જેટલો મુશળધાર વરસાદ પડ્યો હતો. અલ્બેનિયામાં સૌથી લાંબી ડ્રિની નદીનું જળસ્તર ૧૦ સેમી (ચાર ઇંચ) વયું છે. સોમવારે પૂર ફાટી નીકળવાના કારણે પિતા અને પુત્ર સહિત બે ગુમ થયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તેમની કાર રવિવારે રાજધાની તિરાનાથી લગભગ ૯૦ માઈલ ઉત્તરમાં સ્થિત બોગે ગામમાં તરતી જોવા મળી હતી. મોન્ટેનેગ્રો અને સબયાના ભાગોમાં રવિવારે પૂરને કારણે ચાર લોકોના મોત થયા હતા.

મળતી માહિતી મુજબ મોન્ટેનેગ્રોમાં એક મહિલા અને તેના બે બાળકો નદીમાં ડૂબી ગયા. આ ઘટના ત્યારે બની જ્યારે તેમની કાર નદી પર બનેલા પુલ પરથી નીચે પડી. જ્યારે બીજી ઘટના દક્ષિણી સબયામાં બની હતી, જ્યાં બે વર્ષનો બાળક નદીમાં પડી જતાં ડૂબી ગયો હતો. સત્તાવાળાઓએ દક્ષિણ સબયન પ્રદેશ રાસ્કામાં ‘ઇમરજન્સીની સ્થિતિ’ જાહેર કરી છે.

સ્કોદર અને લેઝે જિલ્લામાં ૩,૦૦૦ હેક્ટર (૭,૫૦૦ એકર) ખેતીની જમીન પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી. ૬૦૦થી વધુ ઘરોમાં પાણી ઘુસી જવાને કારણે અસરગ્રસ્ત પરિવારોને બચાવવા અને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે સેંકડો સૈનિકોને મોકલવામાં આવ્યા છે. શકોદરની ઐતિહાસિક ૧૮મી સદીની મસ્જિદ પણ પૂરના પાણીમાં ડૂબી ગઈ છે. સ્કોદર એ દેશના અન્ય ભાગોથી એક અલગ પ્રદેશ છે.