પૂર્વ સુકાની ધોનીએ આઇપીએસ અધિકારી વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો આઇપીએલ સ્પોટ-ફિક્સિંગ અને સટ્ટાબાજીના કેસમાં કથિત વાંધાજનક નિવેદનો કર્યા હતા.


ચેન્નાઇ,
૨૦૧૩ના આઇપીએલ સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કૌભાંડે સમગ્ર ભારતીય ક્રિકેટને હચમચાવી નાખ્યું હતું. આ મામલામાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ પણ ફસાયેલી હતી કારણ કે તેના કેટલાક અધિકારીઓ સટ્ટાબાજીમાં દોષી હોવાનું જણાયું હતું. ભલે આ મામલો હવે ભૂતકાળની વાત છે, પરંતુ ફરી એકવાર તે ચર્ચામાં આવી ગયો છે કારણ કે ધોનીએ આ મામલે તેમની નિવેદનબાજી માટે એક આઇપીએસ અધિકારી વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન અને ભૂતપૂર્વ અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન ધોનીએ આ મામલે કથિત રૂપે નિવેદન આપવા બદલ આઇપીએસ અધિકારી જી સંપત કુમાર વિરુદ્ધ તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા માટે સુપ્રીમ કોર્ટ, મદ્રાસ હાઈકોર્ટ અને કેટલાક વરિષ્ઠ વકીલોને સમન્સ જારી કર્યા છે. હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. કોર્ટે શુક્રવારે આ મામલો લિસ્ટ કર્યો હતો પરંતુ તેની સુનાવણી થવાની બાકી છે.

અહેવાલ મુજબ, ધોનીએ ૨૦૧૪માં તત્કાલિન પોલીસ મહાનિરીક્ષક (આઈજી) સંપત કુમારને મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગમાં તેમના (ધોની) સંબંધિત કોઈપણ નિવેદન આપવાથી રોકવા માટે સિવિલ દાવો દાખલ કર્યો હતો. તેણે કોર્ટને નુક્સાની તરીકે ૧૦૦ કરોડ રૂપિયાની ચૂકવણીનો નિર્દેશ આપવાની પણ વિનંતી કરી હતી. ત્યારબાદ કોર્ટે ૧૮ માર્ચ, ૨૦૧૪ના રોજ એક વચગાળાનો આદેશ પસાર કર્યો હતો, જેમાં સંપત કુમારને ધોની વિરુદ્ધ કોઈપણ નિવેદન આપવા પર રોક લગાવી હતી.

આ હોવા છતાં, સંપત કુમારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં ન્યાયતંત્ર અને તેમની સામે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. લાઈવલો.કોમ ના એક અહેવાલ મુજબ, સંપતે કથિત રીતે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ મુદગલ કમિટીના ભાગોને સીલબંધ રાખવાનો નિર્ણય લીધો હતો અને તે વિશેષ તપાસ ટીમને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો ન હતો.


મેચ ફિક્સિંગનો વિવાદ ૨૦૧૩માં સામે આવ્યો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ એસ શ્રીસંત, અજીત ચંદીલા અને અંક્તિ ચવ્હાણ પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. તેની તપાસ બાદ સટ્ટાબાજીની બાબતો પણ સામે આવી હતી, જેમાં રાજસ્થાનના તત્કાલીન સહ-માલિક રાજ કુન્દ્રા અને ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પનને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ કેસોની સ્વતંત્ર તપાસ માટે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિવૃત્ત જસ્ટિસ મુદગલના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેની ભલામણ બાદ રાજસ્થાન અને ચેન્નાઈને બે-બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.