નવીદિલ્હી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના ભૂતપૂર્વ વડા પ્રધાન સરદાર તનવીર ઇલ્યાસ ખાનની પારિવારિક સંપત્તિ વિવાદ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ બાદ તેને મારગલ્લા પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યો હતો. કેપિટોલ પોલીસે પણ તેની ધરપકડની પુષ્ટિ કરી હતી. ઇલ્યાસની કૌટુંબિક સંપત્તિ જપ્ત કરવાના અને ફાયરિંગની ઘટનામાં સામેલ હોવાના આરોપસર અટકાયત કરવામાં આવી હતી.
ઇલ્યાસની ધરપકડ બાદ, વકીલો અને તેમના સમર્થકોએ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કરવાનું શરૂ કર્યું, જ્યારે પક્ષના કાર્યકરો તેમના નિવાસસ્થાનની બહાર એકઠા થયા. ઇલ્યાસ સામે ૧ મેના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર સેન્ટોરસ મોલની કેન્દ્રીય કચેરીઓ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો પર કબજો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. સેન્ટૌરસ મોલના ડેપ્યુટી સિક્યુરિટી ઈન્ચાર્જ કર્નલ (નિવૃત્ત) ટીપુ સુલતાને ઈલ્યાસ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.
ઇલ્યાસ ઉપરાંત મોહમ્મદ અલી, અનિલ સુલતાન, રિઝવાન અને અન્ય શકમંદોના નામ પણ આરોપીઓની યાદીમાં સામેલ છે. એફઆઈઆર મુજબ, સરદાર તનવીર ઇલ્યાસ ૨૦ થી ૨૫ લોકોના સશ જૂથ સાથે સેન્ટૌરસ મોલના પરિસર પર કબજો કરવાના ઇરાદાથી તાળા તોડીને મોલ ઓફિસ ૧૭૦૮ માં પ્રવેશ્યા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, તેના પ્રયાસને એક સુરક્ષા ગાર્ડે નિષ્ફળ બનાવ્યો હતો. સરદાર તનવીર ઇલ્યાસે સરદાર ઇલ્યાસ ખાન અને સરદાર ડો. રશીદ ઇલ્યાસ ખાનને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
એફઆઇઆરમાં કહેવામાં આવ્યું છે કે તનવીર ઇલ્યાસ અને તેના સહયોગીઓએ સુરક્ષા અધિકારી પર પણ હુમલો કર્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ કાયદા અમલીકરણ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાં સરદાર તનવીર ઇલ્યાસે કર્નલ (નિવૃત્ત) ટીપુ સુલતાન પર ગોળીબાર કર્યો હતો, જેમાં તે (ટીપુ સુલતાન) નાસી છૂટ્યા હતા.