પૂર્વ મંત્રી ચૌધરી લાલ સિંહના ઘર સહિત વિવિધ સ્થળો પર ઈડીના મની લોન્ડરિંગ કેસમાં દરોડા

  • આરબી એજ્યુકેશનલ ટ્રસ્ટ વિરુદ્ધ પીએમએલએ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી

જમ્મુ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મંગળવારે ખરાબ હવામાન વચ્ચે જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લામાં પૂર્વ મંત્રી ચૌધરી લાલ સિંહના ઘર પર દરોડા પાડ્યા હતા. તેમજ ઈડીની ટીમ જમ્મુ અને પઠાણકોટ સહિત આઠ અલગ-અલગ સ્થળોએ પહોંચી છે. આરબી એજ્યુકેશનલ ટ્રસ્ટ વિરુદ્ધ પીએમએલએ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પૂર્વ સાંસદ લાલ સિંહની પત્ની અને ટ્રસ્ટના ચેરપર્સન કાંતા અંતોત્રા સાથે જોડાયેલા પરિસર પર ઈડી દરોડા પાડી રહી છે. ષડયંત્ર રચીને ટ્રસ્ટને ૩૨૯ કનાલ જમીનની ફાળવણી બાબતે દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈએ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ આ મામલે એફઆઈઆર નોંધી હતી, ત્યારબાદ ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.

જમ્મુમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીની ટીમ શહેરના શાી નગરમાં નાયબ તહસીલદાર રવિન્દ્ર સિંહ, મીરાં સાહિબમાં એડવોકેટ આશિષ કોટવાલ સાથે જમ્મુના ગુલશન ગ્રાઉન્ડ પાસેના એક ઘર પર પણ પહોંચી છે. તે જ સમયે, આ કાર્યવાહીની જાણ થતાં જ પૂર્વ મંત્રીના સમર્થકો પણ કઠુઆમાં તેમના ઘરની બહાર એકઠા થવા લાગ્યા. સમર્થકોએ આ કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કર્યો છે.

આરબી એજ્યુકેશનલ ટ્રસ્ટ જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લામાં છે. આ ટ્રસ્ટ મારફત જંગલની જમીન વેચી-ખરીદીનો આરોપ છે. ટ્રસ્ટના અધિકારીઓ પર જિલ્લાના મહેસૂલ અને વન અધિકારીઓને જંગલની જમીન ખરીદવા માટે લાંચ આપવાનો આરોપ છે. સીબીઆઈએ પણ આ મામલે કાર્યવાહી કરી છે. આ ટ્રસ્ટ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના મામલામાં સીબીઆઈએ પણ અનેક વખત દરોડા પાડ્યા છે.

ચૌધરી લાલ સિંહે વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. ૧૯૮૬માં તેઓ પહેલીવાર કોંગ્રેસની ટિકિટ પર કઠુઆની બસોહલી સીટથી ધારાસભ્ય બન્યા હતા. ૨૦૦૨માં પણ તેઓ અહીંથી જીત્યા અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને કોંગ્રેસની ગઠબંધન સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી બન્યા. જ્યારે તેઓ સ્વાસ્થ્ય મંત્રી બન્યા ત્યારે પણ તેઓ હેડલાઇન્સમાં રહ્યા હતા.