પૂર્વ ખેલાડીઓ પોતાની વાત રાખી શકે છે,ટીમમાં કોઈપણ ખેલાડીમાં ઈગો કે ઘમંડ નથી : જાડેજા

મુંબઇ, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે કહ્યું હતું કે તેઓ ઘંમડી છે. કપિલ દેવના આ નિવેદન પર રવિન્દ્ર જાડેજાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમજ કહ્યું છે કે ટીમ ઈન્ડિયામાં બધું બરાબર છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું માનવું છે કે બધા સાથી ખેલાડીઓ મહેનતું છે. તેઓમાં કોઈપણ પ્રકારનો ઈગો નથી. તાજેતરમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે કહ્યું કે વર્તમાન ભારતીય ખેલાડીઓમાં ભારતીય ખેલાડીઓમાં આઈપીએલમાં પૈસા કમાવાના કારણ બહુ ઈગો અને ઘમંડ છે. ઈન્ડિયન ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે. રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ હાલ ટેસ્ટ સીરિઝ ૧-૦થી જીતી જ્યારે વનડે સીરિઝમાં૧-૧ની બરાબરી પર છે. આજે સીરિઝની ત્રીજી અને છેલ્લી વનડે આંતરરાષ્ટ્રીય મેચ ત્રિનિદાદમાં રમાવા જઈ રહી છે.

ત્રીજા વનડે પહેલા રવિન્દ્ર જાડેજાને જ્યારે કપિલ દેવના ઈગોવાળા નિવેદન પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જાડેજાએ તેનો જવાબ આરામથી આપ્યો હતો. પરંતુ જાડેજાના જવાબમાં નારાજગી સાફ જોવા મળે છે.

મીડિયા સાથે વાત કરતા જાડેજાએ કહ્યું, મને ખબર નથી કે તેણે આવું ક્યારે કહ્યું છે, હું આવી વસ્તુઓ સોશિયલ મીડિયા પર સર્ચ કરતો નથી. જુઓ દરેકને તે કહેવાનો અધિકાર છે કે તે શું ઇચ્છે છે. ભૂતપૂર્વ ક્રિકેટરોને સંપૂર્ણ અધિકાર છે કે તેઓ શું વિચારે છે. મને નથી લાગતું કે ટીમના કોઈપણ ખેલાડીમાં અભિમાન છે.. ઘમંડ છે..

રવિન્દ્ર જાડેજાને પૂર્વ ક્રિક્રિટરોના નિવેદન વિશે સવાલ પૂછતા જાડેજાએ કહ્યું કે, આવા નિવેદનો ત્યારે આવે છે જ્યારે ટીમ ઈન્ડિયા હારે છે. પૂર્વ ખેલાડીઓ પોતાની વાત રાખી શકે છે, પરંતુ ટીમ ઈન્ડિયામાં એવું કંઈપણ નથી. ટીમમાં કોઈપણ ખેલાડીમાં ઈગો કે ઘમંડ નથી. દરેક ખેલાડી સખત મહેનત કરે છે. દરેક ખેલાડી ટીમ માટે સારું કરવા ઈચ્છે છે. ટીમ ઈન્ડિયાએ પહેલા બે વનડેમાં ટીમમાં ઘણા ફેરફારો કર્યા તેમજ એક્સપેરિમેન્ટ પણ કર્યા. જેની પાછળ મેનેજમેન્ટનો શું હેતુ હતો તે પણ જાડેજાએ જણાવ્યું છે.

જાડેજાએ કહ્યું કે, કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટનો ખબર છે કે કેવું કોમ્બિનેશન જોઈએ. તેમજ તેમને એ પણ ખબર છે કે ક્યા પ્રકારનું સંભવિત પ્લેઈંગ ઈલેવન હોવું જોઈએ. અમે પહેલાથી જ એશિયા કપ માટે કોમ્બિનેશન નક્કી કરી ચૂક્યા છીએ. આ સીરિઝ એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા છે માટે અમે અહી નવા એક્સપેરિમેન્ટ કરી શકીએ છીએ. નવા કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે અમે એશિયા કપ માટે રમીશું ત્યારે અમે ત્યાં એક્સપેરિમેન્ટ નહી કરી શકીએ. આ સાથે જ ટીમનો મજબૂત પક્ષ ખબર પડી જાય અને ટીમનું બેલેન્સ પણ.