પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ આદિવાસી નેતા અરવિંદ નેતામે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું

  • સરકાર આદિવાસીઓ વિરુદ્ધ કામ કરી રહી છે.

રાયપુર, આ સમયના મોટા સમાચાર છત્તીસગઢથી સામે આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ આદિવાસી નેતા અરવિંદ નેતામે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દીપક બૈજને મોકલી આપ્યું છે. તેમણે ૯ ઓગસ્ટે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પીસીસી ચીફ દીપક બૈજને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું.

એઆઇસીસીને મોકલવામાં આવેલા રાજીનામામાં તેમણે લખ્યું છે કે, “હું કોંગ્રેસ પાર્ટીનો સક્રિય સભ્ય છું. ૫ વર્ષ પહેલા તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીના આહ્વાન પર કોંગ્રેસમાં પાછા આવીને, મેં હંમેશા મારા અનુભવથી પક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાજ્ય નેતૃત્વના અસહકારભર્યા વલણને કારણે હું નિરાશ થયો. રાજ્યમાં આદિવાસી સમાજ માટે બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરે આપેલા બંધારણીય અધિકારોથી વિપરીત રાજ્ય સરકાર કામ કરી રહી છે.

તેમણે લખ્યું કે ’કોંગ્રેસ સરકારે એક્ટ ૧૯૯૬માં આદિવાસી સમુદાયના જળ, જંગલ અને જમીન પરના અધિકારોને ખતમ કરી દીધા છે. આ રીતે આ સરકાર આદિવાસી વિરોધી છે તેથી હું વિશ્ર્વ આદિવાસી દિવસ નિમિત્તે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. મને હંમેશા કેન્દ્રીય નેતૃત્વ તરફથી માર્ગદર્શન અને આશીર્વાદ મળતા રહ્યા છે, તે માટે હું પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું.

અરવિંદ નેતામ તમામ આદિવાસી સમાજના આશ્રયદાતા છે. તેઓ ઈન્દિરા ગાંધી અને નરસિમ્હા રાવની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ ઈન્દિરા ગાંધીની સરકારમાં કૃષિ રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે. તેમને ૧૯૯૬માં પહેલીવાર કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. અરવિંદ નેતામ ૪ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ છત્તીસગઢના વરિષ્ઠ આદિવાસી નેતા છે. તેઓ બસ્તર વિભાગમાં આદિવાસીઓમાં નોંધપાત્ર વર્ચસ્વ ધરાવે છે. બસ્તરના રાજકારણમાં તેમનો ઘણો દબદબો છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે, તેથી તે કોંગ્રેસના ચૂંટણી અંકગણિતને પ્રભાવિત કરી શકે છે. અગાઉ, તેમણે બસ્તરમાં ૧૨ બેઠકો સહિત કુલ ૫૦ બેઠકો પર આદિવાસી સમુદાયના ઉમેદવારો ઉભા કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ કોંગ્રેસ છોડી શકે છે. હાલમાં તે રાયપુરમાં રહે છે.