આઇપીએલ ૨૦૨૫ પહેલા આ વર્ષના અંતમાં મેગા ઓક્શન યોજાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે આ અનુભવી બોલર બે વર્ષ બાદ આઇપીએલમાં પરત ફર્યો છે. અગાઉ તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર,આઇપીએલની મેગા ઓક્શન પહેલા ઝહીર ખાનને લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટીમ મેનેજમેન્ટ સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે – ઝહીર ખાનને ટીમ મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેની જાહેરાત કરવામાં આવશે.
ઝહીર પહેલા ગૌતમ ગંભીર આ પદ પર હતા.આઇપીએલ ૨૦૨૪માં તે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. ત્યારથી લખનૌ સુપર જાયન્ટ્સમાં મેન્ટરનું પદ ખાલી છે. અનુભવી બોલરને આગામી એડિશન પહેલા જવાબદારી સોંપવામાં આવશે.
ઝહીર અગાઉ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. તેમણે ક્રિકેટના ડાયરેક્ટર તરીકે સેવા આપી, ત્યારબાદ તેમણે વૈશ્ર્વિક વિકાસના વડા તરીકેની ભૂમિકા નિભાવી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલની વિદાય બાદ લખનઉ પાસે હાલમાં કોઈ બોલિંગ કોચ નથી. મોર્કેલ હવે ગંભીરના કોચિંગ સ્ટાફમાં જોડાઈ ગયો છે.
તેની કોચિંગ કારકિર્દી પહેલાં, ઝહીર ત્રણ આઈપીએલ ટીમો – મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી ડેરડેવિલ્સ માટે રમ્યો હતો. ઝહીર આઈપીએલની ૧૦ એડિશનમાં આ ટીમો માટે ૧૦૦ મેચમાં દેખાયો, જેમાં ૭.૫૮ના ઈકોનોમી રેટ સાથે ૧૦૨ વિકેટ લીધી. તે છેલ્લે ૨૦૧૭માં આઇપીએલમાં રમતા જોવા મળ્યો હતો, જ્યારે તે દિલ્હી ડેરડેવિલ્સનો કેપ્ટન હતો.