પટણા, બિહારના મુઝફરપુર જિલ્લામાં પૂર્વ વોર્ડ કાઉન્સિલર વિજય ઝાની ધરપકડ કરવામાં આવી હતી. અપ્રમાણસર સંપત્તિના કેસમાં ત્રણ દિવસથી તેના સ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. પૂર્વ કાઉન્સિલર પાસેથી જંગી માત્રામાં સોનું, દારૂ અને ૧૬ કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. દરમિયાન આવકવેરાની ટીમે કોઠીયા સ્થિત શાળામાંથી ૫ ગેરકાયદેસર પિસ્તોલ પણ કબજે કરી છે. આ પછી પૂર્વ વોર્ડ કાઉન્સિલર વિજય ઝાની ધરપકડ કરવામાં આવી હતી.
ઈક્ધમટેક્સની આ કાર્યવાહીથી મોટી સંપત્તિ ધરાવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. પોલીસે વિજય ઝાની પુરાણી બજારમાં સ્થિત મા સવિતા વિવાહ ભવનની ઓફિસમાંથી ધરપકડ કરી છે. આ દરમિયાન તેમના ઘરની બહાર મોટી ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.
ઈક્ધમટેક્સ ટીમને પૂર્વ કાઉન્સિલરના ઘરેથી હથિયાર, રોકડ, દારૂ સહિતના અનેક દસ્તાવેજો મળ્યા છે. આઈટીના દરોડા દરમિયાન તેમની પત્ની સીમા ઝા વોર્ડ કાઉન્સિલરની તબિયત લથડી હતી. તેની સારવાર ચાલી રહી છે. ટીમે વિજય ઝાના ઘર અને બિઝનેસ પરિસરમાંથી રૂ. ૯૫ લાખ રોકડા, આશરે રૂ. ૧૬ કરોડના જમીન રોકાણ સાથે સંબંધિત દસ્તાવેજો અને મોટી માત્રામાં સોનું રિકવર કર્યું છે.
એસએસપી રાકેશ કુમારે કહ્યું કે પૂર્વ વોર્ડ કાઉન્સિલરની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેની પત્ની સીમા ઝા પણ આરોપી છે. હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. રાકેશ કુમારે કહ્યું કે તપાસમાં પુરાવા મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સીમાની ધરપકડના ડરને કારણે તેના ઘરની સામે મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા છે.
પોલીસે જણાવ્યું કે વિજય ઝાના પરિસરમાંથી ૧૬ કરોડ રૂપિયાની જમીનમાં રોકાણના દસ્તાવેજો મળી આવ્યા છે. જિલ્લા ઉપરાંત બિહાર બહાર અન્ય રાજ્યોમાં ખરીદેલા ફ્લેટ અને જમીનના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. વિભાગીય અધિકારીઓએ ઝડપાયેલ ગેરકાયદેસર દારૂ અને ગેરકાયદેસર હથિયારો સ્થાનિક પોલીસને સોંપી દીધા છે. બેંકમાં રોકડ જમા થઈ ગઈ છે. ટીમે ઘરમાંથી મળેલા દસ્તાવેજોને બે બેગમાં પેક કરીને પોતાની સાથે લઈ ગયા છે.