ચંડીગઢ, પંજાબ પોલીસે પંજાબના પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્ની પાસેથી ૨ કરોડ રૂપિયાની ખંડણી માંગનારા આરોપીની ધરપકડ કરી છે. રોપર પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મૂળ મહારાષ્ટ્રનો છે.
પોલીસે આરોપી શ્રીમંત કાબલે પાસેથી લેપટોપ અને મોબાઈલ કબજે કર્યા છે. પોલીસે સોમવારે આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ સૂત્રોનું માનીએ તો આરોપી શ્રીમંત કાબલે સાથે આ ગેંગમાં અન્ય ઘણા સક્રિય લોકો પણ હોઈ શકે છે. પોલીસ આ તમામની રિમાન્ડ પર પૂછપરછ કરશે.
રોપર એસએસપી ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યું કે આરોપીએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે અને ઘણી જગ્યાએ શેફ તરીકે કામ કર્યું છે. હાલમાં તે શેરબજારમાં કામ કરતો હતો. આરોપીએ કહ્યું કે તેને પૈસાની જરૂર છે, તેથી આરોપીએ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના નામે વોટ્સએપ કોલ પર પૂર્વ સીએમ ચન્ની પાસેથી ૨ કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી.
આ અંગે રોપર પોલીસે મોરિંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંયો હતો. તેમજ મામલાની ગંભીરતાને યાનમાં લઈને આ કેસની તપાસ એસપી ઈન્વેસ્ટિગેશન રોપર રુપિન્દર કૌર સરનની આગેવાની હેઠળની ટીમને સોંપવામાં આવી હતી. આ પછી મોરિંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર સુનીલ કુમાર અને સીઆઈએ ઈન્ચાર્જ મનફુલ સિંહે કેસ પર કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેણે અનેક તરકીબોનો ઉપયોગ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.
પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે કે હાલમાં આરોપીનું કહેવું છે કે તે આ કામમાં એકલો જ વ્યસ્ત હતો. જોકે પોલીસને આશંકા છે કે આ ટોળકી મોટી હોઈ શકે છે. આવી સ્થિતિમાં પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે તમામ બાબતોની તપાસ કરશે. આશા છે કે કેટલાક વધુ કેસો પણ ઉકેલાઈ જશે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.