પૂર્વ કેબિનેટ મંત્રી વિશ્વેનદ્ર સિંહની હાલત બની દયનીય : પત્ની અને દીકરાના કારણે મહારાજાને મહેલ છોડવાની પડી ફરજ

જયપુર, ભરતપુર રાજવી પરિવારના સભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી વિશ્વેનદ્ર સિંહે પોતાની પત્ની અને પુત્ર પર આરોપ લગાવ્યા છે. તેમણે તેની પત્ની અને પુત્ર પાસેથી ભરણપોષણની માંગ કરી છે. તેમણે તેની પત્ની અને પુત્રને માર મારવાનો અને ખાવાનું ન આપવાનો પણ આરોપ લગાવ્યો છે. જ્યારે પુત્ર અનિરુદ્ધ સિંહે પિતાના આરોપોને ખોટા ગણાવ્યા છે. રાજસ્થાનના ભરપુર રાજવી પરિવારના સભ્ય વિશ્વેનદ્ર સિંહે પોતાના પરિવાર પર દોષારોપણ કરતા કહ્યું કે તેમને ઘર (મોતી મહેલ) છોડવા માટે દબાણ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું છે કે, મને લોકોને મળવા દેવામાં આવતા નથી. ક્યારેક સરકારી આવાસમાં તો ક્યારેક હોટલોમાં દિવસ પસાર કરવો પડે છે. પરિવાર દ્વારા મને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો કે મને ભરતપુરમાં ઘરમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. આ માટે વિશ્ર્વેન્દ્ર સિંહે પોતાની પત્ની અને પુત્ર પાસેથી દર મહિને ૫ લાખ રૂપિયાની માંગણી કરી છે. તેનું કહેવું છે કે હવે તેની પત્ની અને પુત્ર સાથે ઘરમાં રહેવું શક્ય નથી.

વિશ્ર્વેન્દ્ર સિંહે કોર્ટમાં આપેલી અરજીમાં જણાવ્યું કે તેની પત્ની અને પુત્ર તેની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. મારી સમગ્ર મિલક્ત હડપ કરવાની તેમની યોજના છે. મને અમારી પત્ની અને પુત્ર દ્વારા બળજબરીથી ઘરની બહાર કાઢવામાં આવ્યો હતો, તેથી મારે ઘર છોડવું પડ્યું હતું. તેમણે લખ્યું કે હું હાર્ટ પેશન્ટ છું. ટેન્શન લેવું મારા જીવન માટે ઘાતક છે. આમ છતાં પરિવાર મારી વાત સાંભળતો નથી.

તેમણે લખ્યું કે વસિયતમાં મારા પિતા પાસેથી વારસામાં મળેલી મિલક્તો પર મારો અધિકાર છે. પત્ની અને પુત્રએ મારા કાગળો, રેકોર્ડ વગેરે ફાડી નાખ્યા અને રૂમની બહાર ફેંકી દીધા છે. એટલું જ નહીં, તેણે કોર્ટને કહ્યું કે તેની પત્ની અને પુત્રને પણ સોશિયલ મીડિયા દ્વારા તેની બદનક્ષી કરતા રોકવા જોઈએ.

વિશ્ર્વેન્દ્ર સિંહના પુત્ર અનિરુદ્ધ સિંહે પિતા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેણે કહ્યું કે અમારા પિતાએ કોર્ટમાં જે કહ્યું છે તેવું કંઈ નથી. જો કે પરિવારમાં લગભગ ચાર વર્ષથી મિલક્તને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમાં મથુરા ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોતી મહેલ, કોઠી દરબાર, ગોલબાગ કોમ્પ્લેક્સ અને સૂરજ મહેલની મિલક્તોનો સમાવેશ થાય છે.