હૈદરાબાદ, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પોલીસે અઝહર વિરુદ્ધ ભંડોળના દુરુપયોગના આરોપમાં કેસ નોંધ્યો છે. પોલીસે અઝહરની સાથે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધિકારીઓ સામે પણ કેસ નોંધ્યો છે. જો કે અઝહરે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે.
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ કાંતે બોઝે ઉપ્પલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે એચસીએના ભૂતપૂર્વ પ્રમુખ અઝહર અને અન્ય ભૂતપૂર્વ અધિકારીઓએ સંસ્થાના ભંડોળનો દુરુપયોગ કર્યો હતો.
આ પછી પોલીસે તમામ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. અઝહરે પોતાના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે મેં મીડિયા રિપોર્ટ્સ જોયા છે. સીઇઓ એચસીએની ફરિયાદના આધારે મારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામ ગુના ખોટા છે. મારે આ આરોપો સાથે કોઈ લેવાદેવા નથી. યોગ્ય સમય આવશે ત્યારે હું આનો જવાબ આપીશ. તેમણે વધુમાં કહ્યું કે આ માત્ર મારી ઈમેજને ખરાબ કરવાનો પ્રયાસ છે, જે નિષ્ફળ જશે. અમે તેની સામે લડીશું.
ફરિયાદમાં, એચસીએ સીઇઓએે જણાવ્યું હતું કે તેલંગાણા હાઈકોર્ટ સમક્ષ અગાઉના અહેવાલો રજૂ કર્યા પછી ઓગસ્ટમાં ઝ્રછ ફર્મની નિમણૂક કરવામાં આવી હતી. સીએ દ્વારા ૧ માર્ચ, ૨૦૨૦ થી ફેબ્રુઆરી ૨૮, ૨૦૨૩ સુધી ફોરેન્સિક ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. આમાં, ઓડિટરને ફંડ ડાયવર્ઝન, અસ્કયામતોનો દુરુપયોગ અને કામકાજમાં અનેક અનિયમિતતા સહિત નાણાકીય નુક્સાન જોવા મળ્યું હતું. ફરિયાદીનો આક્ષેપ છે કે ફાયર ફાઇટિંગ સાધનોની ખરીદીમાં છેતરપિંડી થઈ છે. તેમણે કહ્યું કે ૩ માર્ચ, ૨૦૨૧ના રોજ નવમી એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી, જેમાં અઝહરે અગ્નિશામક ઉપકરણો અંગે ચર્ચા કરવાની માંગ કરી હતી. જો કે, પાછળથી બિડ કરનાર કોઈપણ પેઢીને ટેન્ડર ફાળવવામાં આવ્યું ન હતું. બાદમાં સંસ્થાએ ફરીથી ટેન્ડર બહાર પાડ્યા હતા. આ પછી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો પરંતુ છ માસ બાદ પણ કામ પૂર્ણ થયું નથી જે નિયમોનો ભંગ છે.