દેશના પૂર્વી ભાગો, ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્યપ્રદેશના અલગ-અલગ ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી હીટ વેવની સ્થિતિ ચાલુ રહી શકે છે. બીજી તરફ ઓડિશામાં ભીષણ ગરમીના કારણે અત્યાર સુધીમાં ૩૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઈ હતી. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો. તીવ્ર ગરમી પછી, આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાયા હતા. મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. આ સમયગાળા દરમિયાન, ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનો અને અડીને આવેલા મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૩-૪૬ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૨-૪ ડિગ્રી વધારે હતું. આ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશના ઝાંસીમાં સૌથી વધુ ૪૬.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, તમિલનાડુ અને તેલંગાણામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ મુશળધાર વરસાદ થયો હતો. તટવર્તી આંધ્રપ્રદેશ, રાયલસીમા, ઉત્તર આંતરિક કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ અલગ-અલગ વરસાદ નોંધાયો હતો. તે જ સમયે, ઉત્તરાખંડ અને પશ્ર્ચિમ મધ્ય પશ્ચિમ પ્રદેશમાં ઘણી જગ્યાએ કરા પડ્યા હતા.આઇએમડી અનુસાર, આગામી બે દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાન ૨-૩ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.
હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં યલો એલર્ટ વચ્ચે બુધવારે લાહૌલ-સ્પીતિ અને ચંબાના શિખરો પર ભારે હિમવર્ષા થઈ હતી. શિમલા અને કિન્નૌર, કુલ્લુ, ચંબા, સોલન અને કાંગડાના કેટલાક જિલ્લાઓ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વરસાદ થયો હતો. કુલ્લુ જિલ્લાના દલાશ, પાલમપુર અને કાંગડાના બૈજનાથમાં ભારે કરા પડ્યા. રાજ્યમાં હવામાનમાં પલટો આવતાં ગરમીમાંથી થોડી રાહત મળી છે. જોકે, વરસાદ બાદ મેદાની જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ વયું છે. તડકાના કારણે બજારમાં ગરમીનું મોજું હતું.
ચાર અઠવાડિયાથી ૪૦ ડિગ્રીથી વધુ તાપમાનનો પારો રહેતા જમ્મુના લોકોને બુધવારે સાંજે ૫.૩૦ કલાકે ભારે પવન સાથે ભારે વરસાદથી રાહત મળી હતી. જમ્મુ-કાશ્મીરના અન્ય ભાગોમાં પણ વરસાદ અને કરા સાથે ધૂળભરી વાવાઝોડાને કારણે હવામાનમાં પલટો આવ્યો છે. ખરાબ હવામાનને કારણે કટરા-સાંજીછટ હેલિકોપ્ટર સેવા પ્રભાવિત રહી હતી. કાશ્મીરમાં પણ બદલાયેલા હવામાનને કારણે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડકનો અહેસાસ થયો હતો.
હવામાન વિભાગે જે વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી રાત્રે ગરમીની લહેર અને તીવ્ર ગરમીની ચેતવણી આપી છે તેમાં પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઓડિશાના મોટાભાગના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ૯ જૂન સુધી ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે. ૬ થી ૯ જૂન સુધી ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં ગરમીનું મોજું પ્રવર્તી શકે છે. રાત્રે પણ ગરમીનો અનુભવ થશે અને ભેજનું પ્રમાણ પણ રહેશે.
ઓડિશા ભારે ગરમીની ઝપેટમાં છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં હીટ વેવ અને અન્ય ગરમી સંબંધિત રોગોને કારણે ૩૬ લોકોના મોત થયા છે. બુધવારે જારી કરાયેલા એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગરમી સંબંધિત બીમારીઓને કારણે ૧૫૧ લોકોના મોત થયા છે. જેમાંથી ૩૬ લોકોના મોત હીટ વેવને કારણે થયાની પુષ્ટિ થઈ હતી, પરંતુ ૩૧ લોકોના મોતનું કારણ હીટ વેવ હોવાનું જાણવા મળ્યું નથી. ૮૪ કેસના રિપોર્ટ આવવાના બાકી છે.