પાકિસ્તાની સેનાએ ગુરુવારે પુષ્ટિ કરી કે ઇન્ટર સવસિસ ઇન્ટેલિજન્સના ભૂતપૂર્વ વડા લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ફૈઝ હમીદ વિરુદ્ધ કોર્ટ માર્શલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે તેની સામે નક્કર પુરાવા છે. જો કે સેનાએ પૂર્વ વડાપ્રધાન ઈમરાન વિરુદ્ધ કોઈ કાર્યવાહી અંગે સ્પષ્ટ માહિતી આપી નથી.
ઇન્ટર-સવસ પબ્લિક રિલેશન્સના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ રાવલપિંડીમાં સુરક્ષા અને અન્ય મુદ્દાઓ પર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન ચૌધરીએ કહ્યું કે હમીદ વિરુદ્ધ કોર્ટ માર્શલની પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે. તેણે હમીદને ન્યાયી ટ્રાયલનું વચન આપ્યું અને તેના કોર્ટ માર્શલને સેનાની પોતાની જવાબદારીનું ઉદાહરણ ગણાવ્યું.
ચૌધરીએ કહ્યું કે સેનાએ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સ્પષ્ટપણે કહ્યું હતું કે હમીદે આર્મી એક્ટની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. ઝીણવટભરી તપાસ બાદ આ નિષ્કર્ષ પર પહોંચ્યો હતો. તેમણે કહ્યું કે આ કાર્યવાહી સંપૂર્ણ રીતે નક્કર પુરાવાના આધારે અને ન્યાય પ્રક્રિયા પારદર્શક અને ન્યાયી રહે તે સુનિશ્ર્ચિત કરવા માટે કરવામાં આવી રહી છે.
જ્યારે ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓએ આશંકા વ્યક્ત કરી હતી કે પૂર્વ વડાપ્રધાનને સેનાને સોંપવામાં આવી શકે છે અથવા તેમની સામે સેનાના નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે, તો તેમણે આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સેનાની કાર્યવાહીની શક્યતા અંગે તેમનો શું અભિપ્રાય છે તો તેમણે કહ્યું કે આ મામલો સબ-જ્યુડીસ છે અને તમારા પ્રશ્ર્નો પણ કાલ્પનિક છે. પરંતુ હું ચોક્કસપણે કહી શકું છું કે આર્મી એક્ટ મુજબ, જો કોઈ વ્યક્તિનો રાજકીય હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે અને તેના માટે પુરાવા છે, તો કાયદો તેની પોતાની પ્રક્રિયાને અનુસરે છે. ફૈઝ ઈમરાન ખાનના નજીકના માનવામાં આવે છે અને વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન આઈએસઆઈના વડા હતા.