
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને ડોમીનોઝ પીઝામાં કામ કરતી યુવતીનું તેના ઘર પર જ શંકાસ્પદ મોત થતા ચકચાર મચી છે. યુવતીનો પૂર્વ પ્રેમી તેના વાહનના કાગળ લેવા યુવતીના ઘરે પહોંચ્યો હતો ત્યારે જ કોઈ કારણોસર યુવતીએ રૂમ બંધ કરી ગળેફાંસો ખાઈ લીધાનો પૂર્વ પ્રેમીએ દાવો કર્યો છે. જો કે, યુવતી આત્મહત્યા કરે તે વાત તેમના પરિવારજનો માનવા તૈયાર નથી. મૃતકના પરિવારજનોએ પોલીસ પાસે ન્યાયની માગ કરી છે.
મૂળ ભરૂચની યુવતી સુરતમાં રહેતી હતી મળતી માહિતી અનુસાર, મૂળ ભરૂચની વતની અને હાલ અડાજણ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય સીમા( નામ બદલ્યું છે) અને તેની બહેનપણી સાથે રહેતી હતી. સીમાડોમિનોઝ પિઝામાં પીઝા બનાવવાનું કામ કરી વતનમાં રહેતા માતા-પિતા સહિતના પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતી હતી.

સીમાનો પૂર્વ પ્રેમી બેભાન હાલતમાં લઈ હોસ્પિટલ પહોંચ્યો હતો રવિવારે( 2 માર્ચે) બપોરે સીમાનો પૂર્વ પ્રેમી વસીમ શેખ સીમાને બેભાન હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે જોઈ તપાસી સીમાને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સ્થાનિક અડાજણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સિવિલ ખાતે આવી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.
શું કહી રહ્યો છે પૂર્વ પ્રેમી? યુવતીના પૂર્વ પ્રેમી વસીમે જણાવ્યું હતું કે, આઠ વર્ષથી અમે રિલેશનશિપમાં હતા. તે દરમિયાન મેં સીમાને એક મોપેડ લઈ આપ્યું હતું. તેના ઓરીજનલ ડોક્યુમેન્ટ પણ તેની પાસે હતા. થોડા સમય પહેલા મારું બ્રેકઅપ થયું ત્યારે એ મોપેડ મેં પરત લઈ લીધું હતું. જોકે તેના ડોક્યુમેન્ટ તેની પાસે હતા. આ મોપેડ મારે વેચી દેવું હતું તે માટે આ ઓરીજનલ ડોક્યુમેન્ટની જરૂર હતી જેથી ફોન કરી તે ડોક્યુમેન્ટ આપવા જણાવ્યું હતું. બે દિવસ પહેલા રાત્રે જ તેની સાથે વાત થયેલી અને ગતરોજ ડોક્યુમેન્ટ લઈ જવા માટે જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, ગતરોજ બપોરના સમયે આ ડોક્યુમેન્ટ લેવા માટે મેં તેને કોલ કર્યો હતો. જોકે તેણે કોલ રીસીવ કર્યો ન હતો પણ વાતચીત થઈ ગઈ હોવાથી હું તેના ઘરે પહોંચ્યો હતો. સીમાના ઘરે પહોંચ્યો ત્યારે તેની બહેનપણી ઘરમાંથી બહાર નીકળી રહી હતી. જેથી હું તેના ઘરમાં પ્રવેશ્યો હતો અને તેના રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ખોલ્યો હતો. દરમિયાન એક યુવક પણ ત્યાં હાજર હતો.જે મને ધક્કો મારીને ભાગી ગયો હતો. બાદમાં સીમા એકદમ ગભરાઈ ગઈ હતી અને મને રૂમની બહાર કાઢીને તેણે રૂમ લોક કરી દીધો હતો. 25 થી 30 મિનિટ સુધી દરવાજો ખટખટાવા છતાં પણ તેણે ખોલ્યો ન હતો. હું એકલો જ હતો અને ગભરાઈ ગયો હતો તેથી દરવાજો તોડી અંદર પહોંચતા સીમા પંખા સાથે દોરી બાંધીને લટકતી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તાત્કાલિક તેને નીચે ઉતારીને સિવિલ હોસ્પિટલ રિક્ષામાં લઈને આવ્યો હતો. જોકે તેને તબીબે મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ મે તેના ભાઈ ભાભી ને પણ કોલ કર્યો હતો તે દરમિયાન પોલીસ પણ આવી ગઈ હતી અને તેઓ પણ આવી ગયા હતા. શા માટે તેને આપણા કર્યો તે અંગે મને હાલ કઈ જાણ નથી.
મારી બહેન આપઘાત કરી શકે નહીં- મૃતકના ભાઈ મૃતક યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે, મને કોલ આવ્યો હતો કે તમારી બહેને આપઘાત કરી લીધો છે ત્યારબાદ હું અહીં આવ્યો હતો. તેની સાથે જે રિલેશનમાં હતો તે યુવક તેને અહીં લાવ્યો હતો. મારી બહેન આપઘાત કરી જ ન શકે. તેના શરીર પર મારામારી બાદ જેવા નિશાન પણ થઈ ગયેલા છે. અમારી એક જ માંગ છે કે અમને ન્યાય અપાવવામાં આવે પોલીસ તપાસ કરીને અમને ન્યાય અપાવે.