
ધોધંબા, લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જાહેરમાં અપમાનિત કરતા શબ્દો ઉચ્ચારતા વિરોધ ફાટી નીકળ્યો છે. પોતાના વાણી વિલાસમાં રાજા મહારાજાએ અંગ્રેજો સાથે રોટી અને બેટી વ્યવહાર કર્યો હોવાનું જણાવતા ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાઈ હતી. તેથી ક્ષત્રિય રાજપૂત સમાજે પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવા ભાજપને ભલામણ કરી હતી. પરંતુ ભાજપે તેમની વાત નહિ માનતા રાજકોટનો વિરોધ ધીરે ધીરે ગુજરાતના અન્ય તાલુકાઓમાં થઈ રહ્યું છે. જેમાં આજે ઘોઘંબા તાલુકા ક્ષત્રીય રાજપૂત સમાજે આ બાબતને સખત શબ્દોમાં વખોડી પુરૂષોત્તમ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ઘોઘંબા મામલતદાર આર.કે પટેલને આવેદનપત્ર આપ્યું હતું. દેશની એકતા અને અખંડિતતા માટે ક્ષત્રિય રાજપૂત સમાજે રજવાડા નુ બલિદાન આપી લોકશાહીની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. પરંતુ મત મેળવવાની લાલસામાં જાતિવાદી અને અભદ્ર નિવેદનો થતા સમાજમાં રોષની લાગણી વ્યાપી છે .
જો ભારતીય જનતા પાર્ટી પુરૂષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક ઉપર ઉમેદવારી રદ નહીં કરે તો આના પડઘા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પડે તેવી શક્યતાઓ રહેલી છે. નાક ઉપર આવેલી વાતમાં ભાજપ જો ભૂલ કરશે તો તેનું પરિણામ લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડશે.