
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં આજે બનાસકાંઠાના અમીરગઢ રામજીયાણી પાટિયા પાસે નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં રાજસ્થાનથી આવતી કારે રોડની સાઇડમાં ઉભા રહેલા દાદા અને પૌત્રને ફૂટબોલની જેમ ઉડાવી દીધા હતા. જે બાદ બંનેના કરૂણ મોત નીપજ્યા છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજસ્થાન તરફથી આવી રહેલી ગાડીએ રોડની સાઈડમાં ઉભેલા દાદા અને પૌત્રને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. દાદા અને પૌત્રની પાછળ ત્રીજુ બાળક પણ દોડી રહ્યુ હતુ. જોકે, તે આ લોકો પાસે પહોંચે તે પહેલા જ કારે દાદા-પૌત્રને ઉડાવી દીધા હતા. જેથી ત્રીજા બાળકનો આબાદ બચાવ થયો છે.
ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી અને પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટના ફાર્મ હાઉસમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ છે. આ CCTV ફૂટેજ જોઇને કોઇને પણ ધ્રુજારી છૂટી શકે છે.