નવીદિલ્હી, મોદી સરનેમ કેસમાં હાઈકોર્ટમાંથી ઝટકો મળતા રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. હાઈકોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજા યથાવત રાખવાનો આદેશ આપતા સેશન્સ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. હવે માનહાનિનો કેસ દાખલ કરનાર ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. કોઈપણ સુનાવણી પહેલા કેવિયેટ દાખલ કરવામાં આવે છે જેથી તે નક્કી કરવામાં આવે કે તેમને સાંભળ્યા વિના તેમની વિરુદ્ધ કોઈ આદેશ પસાર કરવો જોઈએ નહીં.
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. સુરત સેશન્સ કોર્ટના નિર્ણય સામે ગાંધીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. મોદી સરનેમ કેસમાં ૨૩ માર્ચ, ૨૦૨૩ના રોજ સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને ૨ વર્ષની સજા ફટકારી હતી. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતી વખતે રાહુલ ગાંધી સામે પેન્ડિંગ ૧૦ ફોજદારી કેસોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટનો નિર્ણય સાચો છે. એ હુકમમાં દખલ કરવાની જરૂર નથી. સુરત સેશન્સ કોર્ટે સજા સંભળાવ્યાના બીજા જ દિવસે રાહુલ ગાંધીનું સંસદીય સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય સામે ૨૫ એપ્રિલ ૨૦૨૩ના રોજ રાહુલ ગાંધી વતી ગુજરાત હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે ૨ મેના રોજ સુરક્ષિત રાખ્યો હતો.
વાસ્તવમાં આ મામલો ૨૦૧૯માં રાહુલ ગાંધીના નિવેદન બાદ સામે આવ્યો હતો. કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં ભાષણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ છે. તેમણે કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કોમન કેમ છે? બધા ચોરોની અટક મોદી કેમ છે?”
આ પછી ગુજરાત ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત સેશન્સ કોર્ટમાં તેમની સામે અરજી કરી હતી. આ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવીને ૨ વર્ષની સજા ફટકારી છે.