પૂર્ણા યોજના અંતર્ગત સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો મહીસાગર જિલ્લાના લુણાવાડા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો

  • આજે મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે- રમીલાબેન ડામોર જિલ્લા પંચાયત પ્રમુખ.
  • સુપોષિત કિશોરીઓ જેઓનું હિમોગ્લોબીન સારૂં હોય તેમને પૂર્ણા કપ આપીને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.

મહીસાગર,

મહિલાઓ પગભર બને, સમાજમાં સન્માન ભર્યું જીવન જીવી શકે અને બાળપણ તથા યુવાવસ્થાથી જ તેમને લગતી યોજનાઓ અને કાયદાઓની માહિતી મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત “કિશોરીઓ કુશળ બનો ” તે સુત્રને સાર્થક કરવા માટે પુર્ણા યોજના અંતર્ગત સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાઓનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર અને મહિસાગર કલેકટર ભાવીન પંડયાની ઉપસ્થિતિમાં મોતીબાગ પાર્ટી પ્લોટ ,લુણાવાડા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહિસાગર જિલ્લા પંચાયત પ્રમુખ રમીલબેન ડામોરે જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક આઈ.સી.ડી.એસ. ખાતે વર્ષ 2018-19 થી પૂર્ણા યોજના અમલમાં છે. કિશોરીઓ કુશળ બનો ” તે સુત્રને સાર્થક કરવા સરકાર કિશોરીઓ તથા મહિલાઓની તમામ સમસ્યાઓ નિવારવા હંમેશા પ્રયત્નશીલ છે. આજે મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. ત્યારે મહિલાઓ અને કિશોરીઓ વિવિધ વિભાગ હેઠળની આ યોજનાઓ વિશે જાણે અને તેનો લાભ મેળવે તેમજ અન્ય જરૂરિયાતમંદ મહિલાઓને આ યોજનાઓની માહિતી આપી તેમને આ યોજનાઓનો લાભ લેવા માટે પ્રેરે તેવો આ કિશોરી મેળાનો હેતુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તરૂણીઓ સ્વસ્થ જીવનની દિશામાં વિશ્ર્વાસ પૂર્વક પગલાં માડી શકે તે માટે પૂર્ણા યોજના અમલમાં છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકરી કે.ડી.લાખણી એ જણાવ્યું હતું કે , પૂર્ણા શક્તિના પેકેટમાં પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે, તેમાંથી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ બને છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. સરકારની અનેકવિધિ યોજનાઓ થકી મહિલાઓની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે.

આ પ્રસંગે બેંક મેનેજર દ્વારા બેંક વિશે માહિતગાર કરવામા આવ્યા હતાં સાથે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કિશોરીઓના આરોગ્યને લગતી તેમજ એનીમિયાના નિરાકરણ માટેના પગલાં માટે વિસ્તૃત માહીતી આપી હતી. દહેજ પ્રતિબંધક અઘિકારી દ્વારા મહિલા કલ્યાણ હસ્તક કાર્યરત બેટી બચાવો બેટી પઢાવો યોજનાની સમજ આપવામાં આવી હતી. આઇ.ટી.આઇ. અધિકારી, બેંક મેનેજર, સહિત વિવિધ વિભાગોના અઘિકારીઓ દ્વારા પોત પોતાના વિભાગોને લગતી માહીતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં આઈસીડીએસ પ્રોગામ ઓફિસર દક્ષાબેન તાવિયાડે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે કિશોરીઓ દ્વારા પોષણ અને આરોગ્ય ને લગતી થીમ પર ગરબો યોજવામાં આવ્યો હતો. ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા મહિલોની લાગુ પડતી યોજનાઓ, અભિગમો અને કાયદાઓની માહિતી મહિલાઓએ અને ખાસ કરીને કિશોરીઓને મળી રહે તે હેતુથી સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો કિશોરીઓને તેમના હક જેવા કે, શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય, દીકરા અને દીકરી ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરીશુ તે બાબતની પ્રતિજ્ઞા લઈને બોર્ડ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુપોષિત કિશોરીઓ જેઓનું હિમોગ્લોબીન સારૂં હોય તેમને પૂર્ણા કપ આપીને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે મહિસાગર જીલ્લા મહીલા અને બાળવિકાસ ચેરમેન મધુબેન ધામોત, આઈસીડીએસ વિભાગ તથા જિલ્લા વહિવટીતંત્રના અધિકારી, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં કિશોરીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.