બુટલેગરો દારૂની હેરાફેરી માટે હવે વોશિંગ મશીનની આડમાં દારૂ સંતાડી ગુજરાતમાં પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે. પંજાબથી દારુ ભરેલી ટ્રક અમદાવાદ સુધી પહોંચી આવી હતી. રસ્તામાં કોઇ પોલીસને ગંધ ના આવી કે વોશિંગ મશીનની સાથે ટ્રકમાં દારુનો જથ્થો ભરેલો છે.
દારુની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતા હોય છે. કોઈ સિમેન્ટ મિક્સર, ફ્લોરી કે પછી ટેન્કરમાં દારુનો મોટો જથ્થો ભરીને ગુજરાતમાં ઘુસાડતા ઝડપાય છે. તો કોઈ વળી એસટી બસ કે, એમ્બ્યુલન્સમાં દારુનો જથ્થો ભરીને લાવતા ઝડપાય છે. આ દરમિયાન અમદાવાદમાં વોશિંગ મશીનના જથ્થા સાથે પહોંચેલી ટ્રકમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે.
પીસીબી ટીમને બાતમી મળવાને લઈ ટીમ નાના ચિલોડા પહોંચી હતી. જ્યાં એક ટ્રકમાં વોશિંગ મશીન ભરેલા હતા. જેની તલાશી લેતા તેમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકનો ચાલક સહિત બે શખ્શોને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદની પીસીબી પોલીસની ટીમ નાના ચિલોડા ગોપાલ ટી સ્ટોલ ની આગળથી એક ટ્રક કે જેમાં વોશિંગ મશીન ભરેલા હતા તેને પકડી પાડ્યો છે. ટ્રકની તપાસ કરતા વોશિંગ મશીનની આડ માં મોટી માત્રામાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. ટ્રક માંથી પોલીસને વોલ્ટાસ કંપનીના 102 નંગ વોશિંગ મશીન મળી આવ્યા હતા. આ ઉપરાંત 7,332 નંગ દારૂ તેમજ બિયર પણ મળી આવ્યા હતા. પોલીસે રાજસ્થાનના પુરારામ જાટ અને ધર્મારામ જાટની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે બુટલેગર અલગ અલગ કિમીયાઓ વાપરી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે. તેવામાં અમદાવાદ પીસીબી ને જાણ થતા તેણે વોશિંગ મશીન ની આડ માં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો જથ્થો પંજાબથી મંગાવવામાં આવ્યો છે અને અસલાલી ગાય સર્કલ પાસે આ ટ્રકને ઉભો રહેવાની સૂચના આપવામાં આવી હતી.
પોલીસે 30 લાખના ટ્રક, 6.57 લાખના વોશિંગ મશીન તેમજ 17 લાખથી વધુની કિંમતના દારૂ મળી કુલ 53.99 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ દારૂ મંગાવનાર વ્યક્તિ કોણ છે. જો કે હાલ તો પોલીસે વોશિંગ મશીન ની આડ માં ચાલતી દારૂની હેરાફેરી પકડી પાડી છે.
ગુજરાત બોર્ડરથી એક બાદ એક જિલ્લા અને શહેર વટાવતી આ ટ્રક છેક અમદાવાદ પહોંચી ગઇ હતી. વિના કોઇ રોકટોક દારુનો જથ્થો વોશિંગ મશીનની આડમાં અમદાવાદ પહોંચી ગયો હતો. પરંતુ ડિલિવરી આપવામાં આવે એ પહેલા જ અમદાવાદ પોલીસે તેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.