ચંડીગઢ, લોક્સભા ચૂંટણી પહેલા પંજાબમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પંજાબ સરકારના કેબિનેટ મંત્રીનો એક વાંધાજનક વીડિયો સામે આવ્યો છે. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ તેજિન્દર બગ્ગાએ આ વીડિયો પોતાના એકસ એકાઉન્ટ પર શેર કર્યો છે.
બીજેપી નેતા બગ્ગાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા લખ્યું છે કે કેબિનેટ મંત્રીએ વીડિયો કોલ પર નોકરીની શોધમાં રહેલી ૨૧ વર્ષની યુવતીને વાંધાજનક શબ્દો કહ્યા હતા. બગ્ગાએ દાવો કર્યો હતો કે મંત્રી પોતે સમાધાનકારી સ્થિતિમાં છે. આ મામલો તેમના યાન પર આવતા જ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ પંજાબના ડીજીપી ગૌરવ યાદવને આ મામલાની તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગે ડીજીપીને ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે.ચેરપર્સન રેખા શર્માએ કહ્યું કે કેબિનેટ મંત્રીના પ્રતિષ્ઠિત પદ પર આવો કિસ્સો પ્રકાશમાં આવે તો તે ચિંતાજનક છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરવી જોઈએ. પંચે કહ્યું કે જો આ આરોપો સાચા હોવાનું જણાય તો કેબિનેટ મંત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તરત જ કાર્યવાહી કરવી જોઈએ. બીજી તરફ મંત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેઓ આ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી. મામલો તેમના ખ્યાલમાં નથી.