પંજાબ પ્રાંતમાંથી ટીટીપી આઇએસઆઇએસના ૨૧ આતંકવાદીઓની ધરપકડ, અજ્ઞાત સ્થળે પૂછપરછ ચાલુ

ઇસ્લામાબાદ, પાકિસ્તાનની કાયદા અમલીકરણ એજન્સીઓએ શનિવારે દેશના પંજાબ પ્રાંતમાંથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઇએસઆઇએસ) અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના ૧૩ કમાન્ડરો સહિત ૨૧ આતંકવાદીઓની ધરપકડ કરી છે.

પંજાબ પોલીસના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સીટીડીએ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સહયોગથી પંજાબના વિવિધ શહેરોમાંથી ૨૧ આતંકવાદીઓની ધરપકડ કરી હતી અને પૂછપરછ માટે તેમને અજ્ઞાત સ્થળોએ લઈ ગયા હતા.

તેમાં ઉમેર્યું હતું કે આતંકવાદીઓએ મહત્વપૂર્ણ સ્થાપનો અને કાયદા અમલીકરણ કર્મચારીઓને નિશાન બનાવવાની યોજના બનાવી હતી. ધરપકડ કરાયેલા ૨૧ આતંકીઓમાંથી ૧૩ ટીટીપી ૩ અને આઇએસઆઇએસના છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ૧૩ કમાન્ડરોમાંથી ૯ ટીટીપી અને ચાર આઇએસઆઇએસ સાથે સંબંધિત છે.

પંજાબના લાહોર, એટોક, ઝેલમ, નારોવાલ, સાહિવાલ, રાવલપિંડી, ડીજી ખાન, મુઝફરનગર અને લય્યા જિલ્લામાંથી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. સીટીડીએ કહ્યું કે તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક, કેટલાક હેન્ડ ગ્રેનેડ, ડિટોનેટર અને પ્રતિબંધિત સંગઠનોનું સાહિત્ય મળી આવ્યું છે.

ગયા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાન સરકાર અને ટીટીપી વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ આ વર્ષે સેંકડો કથિત ટીટીપી અને આઇએસઆઇએસ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ દેશમાં સુરક્ષા દળો પર હુમલામાં વધારો જોવા મળ્યો છે.