પંજાબની માન સરકારે વેટ વધારી દેતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો: પેટ્રોલ ૯૮.૬૫ રુપિયા અને ડીઝલ ૮૮.૯૫ રુપિયા થયો

ચંડીગઢ, પંજાબમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ ગયા છે. પંજાબની ભગવંત માન સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં વધારો કર્યો છે. આ કારણે રાજ્યમાં પેટ્રોલની કિંમત હવે ૯૮.૬૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત વધીને ૮૮.૯૫ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આ અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં પંજાબ સરકારે વેટમાં વધારો કર્યો હતો. આ કારણે પંજાબમાં પેટ્રોલ અને ડીઝલ ૯૦ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. હકીક્તમાં, રોકડની તંગીથી ઘેરાયેલી પંજાબ સરકારને ઇંધણ પરના વેટમાં વધારામાંથી વધારાના ૪૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાની આશા છે.

પંજાબ કેબિનેટની બેઠકમાં વેટમાં વધારાને ગુપ્ત રીતે મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ શનિવારે મોડી રાત્રે તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું. પંજાબમાં પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતો શનિવારે રાત્રે ૧૨ વાગ્યાથી લાગુ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર વેટમાં લગભગ એક રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.ફેબ્રુઆરી ૨૦૨૩માં પંજાબમાં પેટ્રોલ અને ડીઝલમાં ૯૦ પૈસાનો વધારો કરાયો હતો. પંજાબના આવાસ અને શહેરી વિકાસ પ્રધાન અમન અરોરાએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી આવા વધારાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. પંજાબને વધુ આવક પેદા કરવાની જરૂર છે અને તે દિશામાં આ એક પગલું છે.

આ વધારો ખાલી પંજાબ પૂરતો જ છે. દેશ લેવલે પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલમાં સ્થિર છે, મે ૨૦૨૨માં પેટ્રોલમાં ભાવમાં મોટો ઘટાડો કરાયો હતો તે વાતને આજે એક વર્ષ કરતાં વધારે સમય થયો છે ત્યારથી ભાવ સ્થિર છે પરંતુ શું હવે પેટ્રોલના ભાવ ઘટી શકે તેને લઈને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક નિવેદન આપ્યું છે. હરદીપ સિંહ પુરીએ શનિવારે કહ્યું કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો સ્થિર રહેશે તો તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા પર વિચાર કરવાની સ્થિતિમાં હશે. ઓઈલ કંપનીઓના આગામી ત્રિમાસિક પરિણામો સારા રહેશે.

દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં પેટ્રોલની કિંમતો પર અલગ અલગ સવાલોના જવાબ આપતા હરદીપ પુરીએ કહ્યું કે, તેઓ અત્યારે આ મુદ્દે કોઈ જાહેરાત કરવાની સ્થિતિમાં નથી. તેમણે કહ્યું કે આગળ જતા, અમે જોઈશું કે કિંમતો વિશે શું કરી શકાય છે.

પેટ્રોલિયમ પ્રધાને જણાવ્યું હતું કે, સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ’સારો દેખાવ’ કર્યો હતો. સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કેટલાક નુક્સાનની ભરપાઇ કરી છે. તેણે પોતાની કોર્પોરેટ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે. જેમ જેમ આપણે આગળ વધીશું, તેમ તેમ આપણે જોઈશું કે શું કરી શકાય છે. સરકારે ગત વર્ષે મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવથી રાહત આપી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં લીટર દીઠ ૮ રૂપિયા અને ડીઝલ પર લીટર દીઠ ૬ રૂપિયા ઘટાડો કર્યો હતો.