પંજાબની ભગવંત માન સરકાર નશા સામે કડક, હેરોઈન સપ્લાઈ કરનારની ડ્રગ અને પૈસા સાથે ધરપકડ

ચંડીગઢ,

પંજાબની ભગવંત માન સરકારે સત્તામાં આવ્યા પછી છેલ્લા દસ મહિનામાં ગુનેગારો સામે કડક પગલાં લીધા છે. આ ક્રમમાં ભૈની મિયા ખાન પોલિસે ૧૦ ગ્રામ હેરોઈન સહિત પકડેલા એક આરોપીની પૂછપરછ બાદ તેને હેરોઈન સપ્લાય કરનાર પિતા-પુત્રને પકડીને ૧૨૫૦૦ રુપિયાની ડ્રગ મની જપ્ત કરી છે.

આ અંગે ભૈની મિયા ખાન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુદેશ કુમારે જણાવ્યુ કે, ભૈની મિયા ખાન પોલીસે ભૂતકાળમાં રંધાવા કોલોનીમાં રહેતા આરોપી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી પુત્ર કશ્મીર સિંહની ધરપકડ કરી હતી.

પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યુ હતુ કે તેણે આ હેરોઈન સુલતાનવિંડના રહેવાસી પિતા-પુત્ર પાસેથી ૩૨,૫૦૦ રૂપિયામાં ખરીદ્યું હતું. આ સંદર્ભે ગૂગલ પે દ્વારા ૨૦ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે ૧૨૫૦૦ રૂપિયા રોકડમાં આપવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે આરોપી ગુરપ્રીત સિંહની નિશાન દેહી પર દરોડા પાડીને આરોપી ગુરદીપ સિંહ અને તેના પુત્ર સુરજીત સિંહ ઉર્ફે બોબી રહેવાસી સુલતાનવિંડની ધરપકડ કરવામાં આવી છે. પિતા-પુત્ર પાસેથી ગુરપ્રીત સિંહે આપેલી ૧૨૫૦૦ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરવામાં આવશે.