પંજાબમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફરી ડ્રોનથી ઘૂસણખોરીનો પ્રયાસ,બીએસએફએ ડ્રોનને જમીનદોસ્ત કર્યું

અમૃતસર,પંજાબમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાન તરફથી ડ્રોનથી ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે. ભારતીય સેનાએ ફરી એકવાર પોતાની બહાદુરી દેખાડતા પાકિસ્તાનના નાપાક ઈરાદાને પાણીમાં ફેરવી દીધો છે. સીમા સુરક્ષા દળના જવાનોએ સોમવારે રાત્રે અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું.

આ દરમિયાન રાજાતલ ચોકીના સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન મંગળવારે સવારે બીએસએફ જવાનોએ ક્ષતિગ્રસ્ત ડ્રોન અને તેની સાથે બાંધેલી સફેદ બેગ મળી આવી હતી. રાત્રે લગભગ ૮.૩૦ વાગ્યે, અમૃતસર સેક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત બોર્ડર ઓબ્ઝવગ પોસ્ટ પર બીએસએફના જવાનોએ સરહદ નજીક પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનનો અવાજ સાંભળ્યો. જે બાદ બીએસએફ જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગ બાદ રાજાતલ ચોકીના સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરમિયાન બીએસએફ જવાનોએ ક્ષતિગ્રસ્ત કાળા રંગનું ડ્રોન અને સફેદ રંગની બેગ મળી આવી હતી. બીએસએફ જવાનોને બેગની અંદર પીળી ટેપથી લપેટેલું એક પેકેટ મળ્યું છે. આ જ બીએસએફ જવાન સતત સર્ચ અભિયાન ચલાવીને વિસ્તારની તપાસ કરી રહ્યા છે કે ડ્રોનમાંથી અન્ય કોઈ વસ્તુ ફેંકવામાં આવી છે કે કેમ.

તમને જણાવી દઈએ કે ૨૩ માર્ચે પણ પાકિસ્તાની ડ્રોન બોર્ડર નજીક જોવા મળ્યું હતું. ગુરદાસપુર સેક્ટરના મેટલા વિસ્તારમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બીએસએફ જવાનોએ વળતો ગોળીબાર કર્યો અને ડ્રોનને પાછળ હટાવ્યું હતુ, ત્યાર બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

આ સર્ચ ઓપરેશન દરમિયાન બીએસએફ જવાનોને એક પેકેટ મળી આવ્યું હતું. જ્યારે આ પેકેટ ખોલવામાં આવ્યું ત્યારે તેમાંથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા હતા. જેમાં ૫ પિસ્તોલ, ૧૦ પિસ્તોલ મેગેઝીન, ૯ એમએમના ૭૦ રાઉન્ડ અને ૩૧૧ના ૨૦ રાઉન્ડ મળી આવ્યા હતા. મહત્વનું છે કે પાકિસ્તાનમાં હાલ ખાવાના પણ ફાંફા છે અને આવી નાપાક હરક્ત ચાલુ રાખે છે, પણ પોતાના દેશમાં થઈ રહેલી આર્થિક સંકટ પર ધ્યાન આપી રહ્યું નથી.