પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીની લહેર થવાની આગાહી

નવીદિલ્હી, હવામાન વિભાગ અનુસાર ઉત્તર-પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ગરમીના મોજાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા અને ગુજરાતમાં ૧૩ મે સુધી હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આજે પણ દિલ્હીના લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશના અન્ય વિસ્તારો અને છત્તીસગઢ, ઝારખંડ, બિહારમાં ૧૧ થી ૧૩ મે સુધી ગરમીનું મોજું રહેવાની આગાહી કરવામાં આવી છે.

સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, ૧૨ મેથી દેશના સળગતા ભાગોમાં થોડી રાહતની અપેક્ષા છે. ૧૨ મેથી દિલ્હી, બિહાર, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પૂર્વ ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે.હવામાન એજન્સી ’સ્કાયમેટ વેધર’ અનુસાર, ગંગાના પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક અને કેરળના ભાગોમાં વીજળી અને તીવ્ર પવન (૪૦-૫૦ કિમી પ્રતિ કલાક) સાથે હળવાથી મયમ વરસાદની અપેક્ષા છે. ઉત્તરાખંડ, ઉત્તરપૂર્વ ભારત, પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગો, પૂર્વ મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મયમ વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને દક્ષિણ કોંકણ અને ગોવાના ભાગોમાં છૂટાછવાયા વરસાદ અને ભારે પવનની શક્યતા છે. જ્યારે ૧૨ મેથી તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને પશ્ર્ચિમ બંગાળમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

મધ્યપ્રદેશમાં હવામાન અદ્ભુત રંગો બતાવી રહ્યું છે. ક્યાંક ગરમીનું મોજું છે તો ક્યાંક તોફાન અને વરસાદ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઘણા જિલ્લાઓમાં ગરમીનું મોજું ફરી શકે છે અને ઘણા જિલ્લામાં વરસાદ પડી શકે છે. છત્તીસગઢમાં પણ આ દિવસોમાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિહોર, નર્મદાપુરમ, નરસિંહપુર અને રીવા વિભાગના જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. પરંતુ આગામી ૪ દિવસ સુધી કેટલીક જગ્યાએ ગરમીનું મોજું રહેશે અને કેટલીક જગ્યાએ વરસાદની શક્યતા છે.

રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં ગરમીનું મોજું રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન આકરી ગરમીથી ત્રસ્ત છે. ફલોદીમાં તાપમાનનો પારો ૪૬ ડિગ્રીને પાર, અનેક જિલ્લાઓમાં શાળાના સમયમાં ફેરફાર કરવો પડ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં મોટાભાગના સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨ ડિગ્રીથી ૫.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.